સોમવારે પીએમ મોદીએ એનડીટીવી વર્લ્ડ સમિટને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે મોદીનાં નેતૃત્વમાં જિયોપોલિટિકલ હોય કે ઈકોનોમી, તમામ બાબતોને નવા આયામ મળી રહ્યા છે. યુરોપ અને પિૃમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત એક જવાબદાર અને અસરકારક અવાજ તરીકે ઊભરી રહ્યું છે.
આખું વિશ્વ આજકાલ સંઘર્ષ વચ્ચે ઘેરાયેલું છે ત્યારે ભારત આશાનાં કિરણ તરીકે ઊભરી રહ્યું છે. ભારત ક્યારેય ટેકન ફોર ગ્રાન્ટેડ સંબંધો નથી બનાવતું. અમારા સંબંધોનો પાયો હંમેશાં વિશ્વાસ અને વિશ્વસનીયતા પર રચાયેલો છે અને આખી દુનિયા આ વાતને સમજી રહી છે. આવું કહીને મોદીએ આડકતરી રીતે કેનેડાને ચેતવણી આપી હતી. કેનેડા સાથેનાં સંબંધો તંગદિલીભર્યા બન્યા છે ત્યારે મોદીએ સંબંધોનો ઉલ્લેખ કરીને કેનેડા તરફ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારત ટેકનોલોજીને ડેમોક્રટાઈઝ કરીને ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રકચર માટે આખી દુનિયાને નવો રસ્તો દર્શાવી રહ્યું છે. મોદીએ સમિટમાં ભારતનું 2047 સુધીનું વિકસિત ભારતનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આ વિઝન 140 કરોડ ભારતીયો માટે વિકાસનું અભિયાન બની ગયું છે. ભારતની સદી તે વિશ્વ માટે વિજયની સદી બની રહે તેવી અમારી નેમ છે. અમે છેલ્લા 10 વર્ષમાં 12 કરોડ શૌચાલયો બનાવ્યા છે અને 16 કરોડ ગેસ જોડાણો આપ્યા છે.
ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે : મોદીએ દાવો કર્યો હતો કે ભારતે વિકાસની લાંબી છલાંગ લગાવી છે. છેલ્લા 125 દિવસમાં જ અમારી સરકારનાં ત્રીજા કાર્યકાળમાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. 125 દિવસમાં અમે ગરીબો માટે 3 કરોડ મકાનો બનાવવા મંજૂરી આપી છે. 5 લાખ ઘરમાં સોલર પેનલો લગાવાઈ છે. શેરબજારમાં 6થી 7 ટકાનો ગ્રોથ થયો છે. 9 લાખ કરોડનાં ઈન્ફ્રાસ્ટ્રકચર માટેનાં કામ થયા છે. 15 નવી વંદે ભારત શરૂ કરાઈ છે. 8 નવા એરપોર્ટ બની રહ્યા છે. યુવાનો માટે રૂ. 2 લાખ કરોડનું પેકેજ અપાયું છે. ખેડૂતોનાં ખાતામાં રૂ. 21,000 કરોડ ટ્રાન્સફર કરાયા છે. અમે જે સપના જોયાં છે તેમાં ચેન પણ નથી અને આરામ પણ નથી : ભારત પાંચમી સૌથી મોટી ઈકોનોમી બની ગયું છે. ત્રણ વખત અમે સરકાર બનાવી છે. ત્યારે આટલી મહેનત કેમ કરો છો? તેમ લોકો પૂછે ત્યારે કહીએ છીએ કે અમે જે સપના જોયાં છે તેમાં ચેન પણ નથી અને આરામ પણ નથી. છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીની બહાર લાવ્યા છીએ.આખી દુનિયામાં ભવિષ્યને લઈને ચિંતા છે. કોવિડમાંથી લોકો બહાર આવ્યા તો હવે ઈકોનોમીની ચિંતા સતાવી રહી છે. કોરોનાએ મોંઘવારી અને બેકારી વધારી છે. ક્લાઈમેટ ચેન્જને લઈને ચિંતા હતી ત્યાં હવે યુદ્ધ શરૂ થયા છે.
Source link