NATIONAL

Delhi: ભારત 2028 સુધીમાં એક ટ્રિલિયન ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનશે

સરકારની ડિજિટલ પહેલ સાથે, ભારતની ફાઇનાન્શિયલ ઇકો-સિસ્ટમમાં છેલ્લાં થોડાં વરસોમાં એક મોટું પરિવર્તન આવ્યું છે. આસ્ક કેપિટલના તાજેતરના રિપોર્ટમાં કહેવાયું છે કે ઊંડાણના વિસ્તારો સુધી ઇન્ટરનેટની પહોંચ, કુશળ અને સસ્તી 4G-5G સેવાઓ અને ડિજિટલ ક્ષેત્રમાં સરકારની પહેલથી ભારત 2028 સુધીમાં એક ટ્રિલિયન અમેરિકન ડોલરની ડિજિટલ અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે.

ભારત ડિજિટલ પેમેન્ટના કિસ્સામાં એક વૈશ્વિક ઉદાહરણ બની ગયું છે, જે યુપીઆઇ જેવી ઘરેલુ ટેક્નોલોજીના ઇનોવેશનથી લાભ મેળવી રહ્યું છે. ભારતનું ડિજિટલ પરિવર્તન આર્થિક વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે. છેલ્લાં થોડાં વરસોમાં ભારતીય અર્થવ્યવસ્થાના ડિજિટલાઇઝેશનની સાથે સાથે સ્માર્ટફોનના વધતા જતા ઉપયોગે કેશલેસ વ્યવહારો અને ઓનલાઇન ખરીદીને પ્રોત્સાહિત કર્યાં છે.

ડિજિટલાઇઝેશનમાં જાપાન, યુકે, જર્મનીથી આગળ

ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન્સ (ICRIER) અનુસાર, ડિજિટલાઇઝેશનના સમગ્ર સ્તરે ભારતનો ડિજિટલ સ્કિલનો સ્કોર જાપાન, યુનાઇટેડ કિંગડમ અને જર્મની જેવા વિકસિત દેશો કરતાં વધી ગયો છે. પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) જેવી સરકારી પહેલોએ દેશમાં સાર્વભૌમિક પહોંચ અને નાણાકીય સમાવેશ વધારવામાં મદદ કરી છે. મોબાઇલ અને બ્રોડબેન્ડની વધતી જતી પહોંચ નાણાકીય સમાવેશને વ્યાપક બનાવશે અને નવી ડિજિટલ સેવાઓને પ્રોત્સાહિત કરશે.

ભારતમાં લગભગ 120 કરોડ ટેલિકોમ્યુનિકેશન ગ્રાહકો

ભારતમાં ડિજિટલ મનોરંજન, ઓનલાઇન એજ્યુકેશન, ટેલિ-મેડિસિન, ડિજિટલ હેલ્થ, ડિઝાસ્ટર રિસ્પોન્સ અને જીવન રક્ષક સેવાઓ સારી મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓનો લાભ લઈ રહી છે. વાજબી ભાવના ડેટા, સ્માર્ટફોન યૂઝર્સની વધતી સંખ્યા અને ઇ-કોમર્સમાં વૃદ્ધિ ભારતના ડિજિટલ પરિવર્તનને ગતિ આપી રહ્યાં છે. માર્ચ 2024 સુધીના ટ્રાઇના આંકડા દ્વારા જાણવા મળે છે કે ભારતમાં લગભગ 120 કરોડ ટેલિકોમ્યુનિકેશન ગ્રાહકો છે. માર્ચ 2023માં ઇન્ટરનેટ ગ્રાહકોની કુલ સંખ્યા 88.1 કરોડથી વધીને માર્ચ 2024ના અંત સુધીમાં 95.4 કરોડ થઈ ગઈ છે. આમાંના લગભગ અડધા ગ્રાહકો ગ્રામીણ ક્ષેત્રોના છે. છેલ્લા એક વર્ષમાં 7.3 કરોડ કરતાં વધારે ઇન્ટરનેટ ગ્રાહક અને 7.7 કરોડ કરતાં વધારે બ્રોડબેન્ડ ગ્રાહક ઉમેરાયા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button