- નારાયણ મૂર્તિએ વધતી વસ્તી દેશ માટે પડકાર સમાન ગણાવી
- અમેરિકા, બ્રાઝિલ અને ચીન જેવા દેશોમાં વ્યક્તિદીઠ જમીનની પ્રાપ્તિ ઘણી વધારે
- તમામ વ્યવસાયીઓએ દેશની પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ: નારાયણ મૂર્તિ
ઈન્ફોસિસના સહ સ્થાપક એન આર. નારાયણ મૂર્તિએ દેશમાં થઈ રહેલા વસ્તી વિસ્ફોટ અંગે જણાવ્યું હતું કે કટોકટી પછી ભારતીયોએ વસ્તી નિયંત્રણ માટે ધ્યાન આપ્યું નથી. તેમણે વધતી જતી વસ્તીને દેશ માટે મોટા પડકાર સમાન ગણાવી હતી.
પ્રયાગરાજમાં મોતીલાલ નહેરુ રાષ્ટ્રીય ટેક્નોલોજી સંસ્થાનાં દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું કે ભારત વધતી જતી વસ્તી, વ્યક્તિદીઠ જમીનની પ્રાપ્તિ અને આરોગ્ય સુવિધાઓને લગતા પડકારોનો સામનો કરી રહ્યું છે.કટોકટી પછી વસ્તી નિયંત્રણ માટે ભારતીયોએ યોગ્ય ધ્યાન નહીં આપતા આપણો દેશ અસ્થિર થવાનો ખતરો સર્જાયો છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ અને ચીન જેવા દેશોમાં વ્યક્તિદીઠ જમીનની પ્રાપ્તિ ઘણી વધારે છે.
વ્યવસાયીઓ દેશની પ્રગતિમાં યોગદાન આપે
નારાયણ મૂર્તિએ અપીલ કરી હતી કે તમામ વ્યવસાયીઓએ દેશની પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ. આવું યોગદાન ઉચ્ચ આકાંક્ષાઓ સંતોષવા અને મોટા સપના જોવા તેમજ તેને હકીકતમાં બદલવા માટે ભારે મહેનત કરવા પર નિર્ભર છે. એક પેઢીએ પછીની પેઢીનાં જીવનને સારું બનાવવા અનેક બલિદાન આપવા પડે છે. મારા માતા પિતા અને ભાઈ બહેન તેમજ શિક્ષકોએ મારી પ્રગતિ માટે મહત્ત્વપૂર્ણ બલિદાન આપ્યું હતું. હું અહીં મુખ્ય અતિથિ તરીકે આવ્યો છું તે દર્શાવે છે કે આ બલિદાન વ્યર્થ ગયું નથી.
Source link