સુપ્રીમ કોર્ટે બુધવારે એક મોટો ચુકાદો આપતાં જણાવ્યું હતું કે બુલડોઝર મારફત કરવામાં આવતી કામગીરી ગેરબંધારણીય છે. કોર્ટે જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિનું ઘર ફક્ત એટલા માટે ના તોડી શકાય કે તે એક આરોપી છે. કોર્ટે ઉમેર્યું હતું કે આરોપો પર ચુકાદો આપવાનું કામ ન્યાયતંત્રનું છે, એક્ઝિક્યુટિવ્ઝનું નથી.કોર્ટે જણાવ્યું હતું કે આ કામગીરી કાયદાના શાસનનું ઉલ્લંઘન છે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ગંભીર અપરાધના આરોપી અને દોષિત વ્યક્તિ સામે પણ બુલડોઝર એક્શનની કાર્યવાહી નિયમનું પાલન કર્યા સિવાય થઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શનને લઈને ગાઇડલાઇન પણ ઇશ્યૂ કરી છે.
કોર્ટ અનુસાર બુલડોઝર એક્શન માટે પહેલાં તો 15 દિવસ અગાઉ નોટિસ આપવી પડશે. આરોપીનો પક્ષ સાંભળવો પડશે. આ નોટિસ રજિસ્ટર્ડ ટપાલ મારફત જ મોકલવી પડશે. નોટિસની જાણકારી ડીએમને પણ આપવી પડશે. કોર્ટના આદેશ અનુસાર જો આ પ્રક્રિયાનું પાલન કરવામાં નહીં આવે તો વળતર ચૂકવવું પડશે. બુલડોઝરની કાર્યવાહી ત્યારે જ થઈ શકે કે જ્યારે ઘર સંપૂર્ણ રીતે ખાલી કરી દેવામાં આવ્યું હોય અને તેની વીડિયોગ્રાફી પણ કરવી પડશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મન ફાવે તેમ વર્તનારા અધિકારીઓને આ કામ માટે જવાબદાર ઠેરવવા જોઈએ. અધિકારીઓએ બુલડોઝર ફેરવતા પહેલાં એ દેખાડવું પડશે કે ઇમારત ગેરકાયદે છે તથા અપરાધને ઘટાડવા અથવા ફક્ત એક હિસ્સાને ધ્વસ્ત કરવાની કોઇ સંભાવના નથી. અધિકારીએ નોટિસમાં બુલડોઝર ચલાવવાનું કારણ, સુનાવણીની તારીખ જણાવવી પડશે. આ કાર્યવાહી માટે ત્રણ મહિનામાં એક ડિજિટલ પોર્ટલ પણ બનાવવામાં આવશે. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જો ગેરકાયદેસર રીતે ઇમારત તોડવામાં આવશે તો સંબંદિત અધિકારી સામે કોર્ટના અપમાનની કાર્યવાહી કરવામાં આવશે અને તેણે દંડ પણ ભરવો પડશે.
જસ્ટિસ ગવઇએ કવિ પ્રદીપની પંક્તિઓ દ્વારા ઘરનું મહત્ત્વ સમજાવ્યું
જસ્ટિસ બી. આર. ગવઇએ ચુકાદાની શરૂઆતમાં હિન્દીના લોકપ્રિય કવિ પ્રદીપની પંક્તિઓ ટાંકીને ઘરનું મહત્ત્વ સમજાવ્યું હતું કે દરેક વ્યક્તિ અને દરેક પરિવારનું સપનું હોય છે કે તેમના માથે એક છત હોય.
Source link