- ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 479માં તેની જોગવાઈ
- આ કાયદો પહેલી જુલાઈથી અમલી બન્યો છે
- સુપ્રીમ કોર્ટે નવી જોગવાઈને મંજૂરી આપતાં દેશભરના જેલ સુપરિન્ટેન્ડેન્ટને તેને અમલમાં લાવવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે આરોપો હેઠળ મહત્તમ કેદની સજાનો એક તૃતીયાંશ હિસ્સો જેલમાં પસાર કરી ચૂકેલા અંડરટ્રાયલ (કાચા કામના કેદીઓ)ને છોડી મૂકવાની અનુમતિ આપી છે.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 479માં તેની જોગવાઈ છે. આ જોગવાઈ અનુસાર મહત્તમ કેદની સજાનો એક તૃતીયાંશ હિસ્સો જેલમાં પસાર કરી ચૂકેલા અંડરટ્રાયલને જામીન આપી દેવામાં આવશે. આ કાયદો પહેલી જુલાઈથી અમલી બન્યો છે. કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે આ જોગવાઈ પહેલી જુલાઈ અગાઉના કેસીસમાં પણ લાગુ થશે. નોંધનીય છે કે અગાઉ સીઆરપીસીમાં જોગવાઈ હતી કે અધિકતમ સજાના 50 ટકા સજા જેલમાં કાપી ચૂકેલા કેદીને જ જામીન મળશે. સુપ્રીમ કોર્ટે નવી જોગવાઈને મંજૂરી આપતાં દેશભરના જેલ સુપરિન્ટેન્ડેન્ટને તેને અમલમાં લાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે એક તૃતીયાંશ અવધિ પૂરી થતાં સંબંધિત અદાલતોના માધ્યમથી અંડરટ્રાયલ કેદીઓની અરજી પર કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે આદેશ કર્યો હતો કે વધુમાં વધુ ત્રણ મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવામાં આવે કે જેથી કેદીઓ પોતાના પરિવારો સાથે દિવાળી ઊજવી શકે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ હિમા કોહલીની આગેવાની હેઠળની બેન્ચે આ મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો હતો.
ધરપકડની તારીખને નજરઅંદાજ કરવા કોર્ટનો આદેશ
એએસજી ઐશ્વર્ય ભાટીના આગ્રહ પર જસ્ટિસ હિમા કોહલી અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે ધરપકડની તારીખને નજરઅંદાજ કરી તમામ વિચારાધીન કેદીઓ પર આ કલમ લાગુ થશે. તેઓ તેનો ફાયદો ઉઠાવી શકશે. કોર્ટે જણાવ્યું હતું કે એક તૃતીયાંશ સજા કાપી ચૂકેલા કેદીઓને બોન્ડ પર છોડી મૂકવામાં આવે અને તેનો રિપોર્ટ રાજ્ય અથવા કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગને મોકલવામાં આવે.
Source link