આખા દેશમાં દિવાળીના સપરમા દિવસોનો આનંદોલ્લાસ પ્રસરી ને પ્રગટી રહ્યો છે. ગુરુવારે દિવાળીના દિવસે લોકો નવી આશાઓ અને આભાર-પ્રાર્થનાઓ સાથે મંદિરોમાં દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા પહોંચ્યા હતા. દેશનાં બધાં મંદિરોમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી, તો સાથે જ, બજારોમાં છેલ્લી ખરીદીની ખીચોખીચ ભીડ જોવા મળી હતી. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ આખો દેશ દિવાળીની રોશનીથી ઝગમગી ઊઠયો છે. રાત્રે દીપમાળાઓની, લાઇટિંગની, લેસર લાઇટિંગની રોશનીની સાથે સાથે જ લોકોએ ઉલ્લાસથી ફટાકડા ફોડયા હતા. દેશમાં દરેક ક્ષેત્રના લોકોએ આનંદપર્વની ઉજવણી કરી હતી.
કેન્દ્રીય મંત્રી એલ. મુરુગને ચેન્નઈમાં દિવાળીનો ઉત્સવ ઊજવ્યો હતો. તેમણે ફટાકડા ફોડીને ખુશીઓ મનાવી હતી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આજે આખો દેશ દિવાળી ઊજવી રહ્યો છે.
આ દિવાળી સૌ કોઈ માટે ખાસ છે, કેમ કે, બધાની આશાઓ અને સપનાં આ સરકાર દ્વારા પૂરાં કરવામાં આવ્યાં છે. આપણા વડાપ્રધાને રામમંદિરના નિર્માણનું અભિયાન શરૂ કર્યું હતું. તેનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ગયું છે અને મંદિર દેશને સમર્પિત થઈ ગયું છે, ત્યાર બાદની આ પહેલી દિવાળી છે. તેથી જ આ દિવાળી સૌ માટે ખાસ છે. હૈદરાબાદના ચારમિનાર નજીક આવેલા ભાગ્યલક્ષ્મી મંદિરને અયોધ્યાના રામમંદિરની થીમ પર સજાવવામાં આવ્યું હતું. આ મંદિર લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાના હાવડામાં દક્ષિણેશ્વરમાં આવેલી આદ્યપીઠ માતા કાલીના મંદિરમાં દિવાળીનો ઉત્સવ ઊજવાયો હતો. અહીં પણ મોટી સંખ્યામાં ભાવિકોએ માતાનાં દર્શન કર્યાં હતાં.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે, આખો દેશ આજે દિવાળી ઊજવી રહ્યો છે. આ વર્ષની દિવાળી ખાસ છે. દીકરીઓ, યુવાઓ અને ખેડૂતોને આ વર્ષે ઘણી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે. એનસીપી નેતા સુપ્રિયા સુલેએ પોતાના પરિવાર સાથે બારામતીમાં દિવાળી ઊજવી હતી. તેમણે કહ્યું કે, બાળપણથી અમે દિવાળી ઊજવવા બારામતી આવીએ છીએ. આખો પરિવાર એકસાથે હોય છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, રાજ્ય ભાજપ પ્રમુખ વી.ડી. શર્મા અને અન્ય નેતાઓએ દિવાળીના અવસરે ભોપાલમાં પાર્ટી કાર્યાલય ખાતે પૂજા કરી હતી.
કેન્દ્રીય મંત્રીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી
કેન્દ્રીય સુરક્ષા મંત્રી રાજનાથસિંહે કેન્દ્રીય નેતા કિરણ રિજિજુ સાથે સરહદે દેશના જવાનો સાથે દિવાળી ઊજવી હતી. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાળે પણ દેશના જવાનો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. તેમણે કહ્યું જવાનો દ્વારા કરવામાં આવેલી સજાવટ અને કાર્યક્રમ અસાધારણ હતાં.
Source link