- દેશના શેરબજાર પર સંદેહ કરનારા રાહુલે તેમાંથી જ જંગી કમાણી કરી
- રાહુલનો સ્ટોક પોર્ટફોલિયો 15 માર્ચ, 2024ના રોજ લગભગ રૂ. 4.33 કરોડનો હતો
- પોર્ટફોલિયોના 24માંથી ફક્ત ચાર શેર જ ખોટમાં ચાલે છે
વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાછલા પાંચ મહિના દરમિયાન પોતાના શેરબજારના રોકાણ પર રૂ. 46.49 લાખનો નફો મેળવ્યો છે. આ બાબતની સ્પષ્ટતા ત્યારે જ થઈ છે કે જ્યારે આ કોંગ્રેસ નેતા મોદી 3.0ના ગાળામાં ભારતીય શેરબજારોની વૃદ્ધિ પર સંદેહ વ્યક્ત કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર રાહુલ ગાંધીનો સ્ટોક પોર્ટફોલિયો 15 માર્ચ, 2024ના રોજ લગભગ રૂ. 4.33 કરોડનો હતો તે 12 ઓગસ્ટ, 2024ના રોજ વધીને રૂ. 4.80 કરોડ થઈ ગયો હતો. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે ભારતીય શેરબજારમાં મહત્ત્વપૂર્ણ જોખમ છે કેમ કે શેરબજારને નિયંત્રિત કરનારી સંસ્થાઓ સમજૂતી કરી રહી છે. રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં એશિયન પેઇન્ટ્સ, બજાજ ફાઇનાન્સ, દીપક નાઇટ્રેટ, ડિવિસ લેબ્સ, જીએમએમ પફોડલર, હિન્દુસ્તાન યુનિ લિવર, ઇન્ફોસિસ, આઈટીસી, ટીસીએસ, ટાઇટન, ટયૂબ ઇન્વેસ્ટમેન્ટ્સ ઓફ ઈન્ડિયા અને એલટીઆઈ માઇન્ડ ટ્રી સહિત અન્ય સ્ટોક્સનો સમાવેશ થાય છે.
પોર્ટફોલિયોના 24માંથી ફક્ત ચાર શેર જ ખોટમાં ચાલે છે
રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં લગભગ 24 સ્ટોકનો સમાવેશ થાય છે, જેમાંથી તેને વર્તમાનમાં ફક્ત ચાર કંપનીઓ-એલટીઆઈ માઇન્ડ ટ્રી, ટાઇટન, ટીસીએસ અને નેસ્લે ઈન્ડિયામાં નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતાના પોર્ટફોલિયોમાં વર્ટોઝ એડવરટાઇઝિંગ અને વિનાઇલ કેમિકલ્સ જેવી નાની કંપનીઓના શેર પણ સામેલ છે. નોંધનીય છે કે કોર્પોરેટ કામગીરીના કારણે વર્ટોઝના શેરની સંખ્યા માર્ચમાં 260 હતી તે ઊછળીને હાલમાં 5,200 થઈ ગઈ છે.
Source link