રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ના આગામી ચેરપર્સનની પસંદગી માટે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની પસંદગી સમિતિની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમિતિના વિપક્ષી સભ્યોએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના ચેરપર્સન અને અન્ય એક સભ્યપદ માટે સરકારની પસંદગીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના આગામી ચેરપર્સન તરીકે તાજેતરમાં નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડના નામની પણ અટકળો થઈ રહી છે. ભૂતકાળમાં નિવૃત્ત સીજેઆઇ એચ.એલ. દત્તુ અને કે.જી. બાલાકૃષ્ણન રાષ્ટ્રીય માનવ અધિકાર પંચનું વડપણ સંભાળી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના ચેરપર્સન તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અરુણકુમાર મિશ્રાએ તેમનો કાર્યકાળ ગત પહેલી જૂને પૂરો કર્યા બાદથી આ હોદ્દો ખાલી પડયો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના સભ્ય વિજયા ભારતી સયાનીને કાર્યકારી ચેરપર્સન નીમવામાં આવ્યા હતા. બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, વિપક્ષી નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી તથા અન્ય નેતાઓએ હાજરી આપી હતી. પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કે સુપ્રીમ કોર્ટના કોઈ નિવૃત્ત જજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના ચેરપર્સન તરીકે નિમણૂક માટે એલિજિબલ હોય છે.
Source link