ભારત સરકારે વિકિપીડિયાને નોટિસ મોકલી છે. સરકારે વિકિપીડિયાને પત્ર લખીને વેબસાઇટ પર પક્ષપાતભરી માહિતી આપવા અને અશુદ્ધિઓની ઘણી ફરિયાદો વિશે જણાવ્યું છે. સૂત્રો અનુસાર, સરકારે સંપાદકીય નિયંત્રણ રાખનારા એક નાના જૂથ તરફ ઇશારો કર્યો છે અને પૂછયું છે કે વિકિપીડિયાને મધ્યસ્થને બદલે પ્રકાશક શા માટે ન માનવી જોઈએ?
માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી બહાર પડાયેલા એક પત્રમાં કહેવાયું છે કે એવો મત છે કે એક નાનો સમૂહ તેનાં પૃષ્ઠો પર સંપાદકીય નિયંત્રણ રાખે છે. વિકિપીડિયા પોતાને એક મફત ઓનલાઇન વિશ્વકોશ તરીકે ઓળખાવે છે, જેમાં સ્વયંસેવક વ્યક્તિત્વો, મુદ્દા કે જુદાજુદા વિષયો પર પૃષ્ઠ બનાવે છે કે સંપાદિત કરે છે. માહિતીનો આ લોકપ્રિય ઓનલાઇન સ્રોત કથિત રીતે ખોટો અને અપમાનજનક સામગ્રી ઉપલબ્ધ કરાવવાના કારણે ભારતમાં કાયદાકીય કેસમાં અટવાયેલો છે. કેન્દ્ર સરકાર તરફથી વિકિપીડિયા બાબતે આ નોટિસ એવા સમયે આપવામાં આવી છે જ્યારે એક ખાનગી સંસ્થાએ રિસર્ચમાં જણાવેલું કે વિકિપીડિયાને આખી દુનિયામાં માત્ર કેટલાક લોકોનો નાનો સમૂહ જ નિયંત્રિત કરે છે.
સરકારને અપાયેલા વિકિપીડિયા વિરોધી ડોઝિયરમાં શું છે?
વિકિપીડિયા બાબતે રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યા બાદ જે ડોઝિયર સરકારને અપાયું તેમાં કેટલાક પ્રસ્તાવો કરાયા છે. જેવા કે, વીકિપીડિયાને મધ્યસ્થને બદલે પ્રકાશક જાહેર કરવામાં આવે, કેમ કે તેની એક અલગ જ સંપાદકીય નીતિ છે. વિકિપીડિયાની ભારતમાં હાજરી નથી અને તે માત્ર પોતાનાં વ્યાપારિક હિતો માટે ભારતમાં કરોડો ખર્ચે છે, તેથી તેની નાણાકીય લેવડદેવડની તપાસ કરવામાં આવે. વિકિપીડિયાને પ્રતિસ્પર્ધા અધિનિયમ 2002 હેઠળ લાવવામાં આવે. વિકિપીડિયા પેજિસ પર પક્ષપાતપૂર્ણ માહિતીને જણાવવા માટે એક બ્રાઉઝર એક્સ્ટેન્શન બનાવવામાં આવે. ભારત સરકારે આવું બ્રાઉઝર એક્સ્ટેન્શન બનાવવું જોઈએ, જે વિકિપીડિયાના લેખોમાં પક્ષપાતી માહિતીને શોધી શકે.
Source link