GUJARAT

Dengue: ગુજરાતમાં દસ દિવસમાં ડેન્ગ્યૂના 2,650 થી વધુ કેસ, બે દર્દીનાં મોત

ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં સપ્ટેમ્બરના 10 દિવસના અરસામાં જ ડેન્ગ્યૂના 2,650થી વધુ કેસો સામે આવ્યા છે, જે પૈકી બે દર્દીઓનાં મોત થયાં છે.આ ઉપરાંત મેલેરિયાના 2150થી વધુ તેમજ ચિકન ગુનિયાના 286થી વધુ કેસો નોંધાયા છે.

મેલેરિયા માટે 22 જેટલા જિલ્લા જોખમી મનાય છે, જેમાં અઢી લાખની વસતિને આવરી લેતાં 230થી વધુ અસરગ્રસ્ત ગામોમાં તંત્ર દ્વારા દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રો કહે છે કે, ચોમાસાની સિઝનમાં સપ્ટેમ્બર મહિનાના દસ દિવસના અરસામાં ડેન્ગ્યૂના 2,650થી વધુ દર્દી નોંધાયા છે, જેમાં બાળકોની સંખ્યા પણ વિશેષ સામે આવી છે. રાજ્યના 75 હજારથી વધુ લોકોના સેમ્પલ લેવાયા હતા, જે બે મોત થયા છે તેમાં એક અમદાવાદના દર્દી છે. સરકારી તંત્રનો દાવો છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષના હાલના સમયગાળામાં 5 ટકા જેટલા કેસો ઘટયા છે.

સિવિલમાં ડોક્ટરો સહિત સ્ટાફમાં વધુ 24 ને ડેન્ગ્યૂ, 4 થી 6 સારવાર હેઠળ

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બરમાં ડોક્ટરો-નર્સિંગ સહિતના વિવિધ સ્ટાફમાં 24 જેટલા ડેન્ગ્યૂની ચપેટમાં આવ્યા છે, જે પૈકી ચારથી છ જેટલા હાલ સિવિલમાં જ સારવાર લઈ રહ્યા હોવાનું સૂત્રો કહે છે. આમ અત્યાર સુધીમાં ડોક્ટરો સહિતના કુલ 68 જેટલો સ્ટાફ ડેન્ગ્યૂની ચપેટમાં આવ્યો છે. બીજી બાજુ સિવિલની ઓપીડીમાં ગત મહિને ડેન્ગ્યૂના 247 દર્દીને સારવાર આપવામાં આવી હતી, આ વખતે સપ્ટેમ્બરના 21 દિવસમાં જ 240 જેટલા દર્દી નોંધાયા છે, આમ એકંદરે ડેન્ગ્યૂના કેસમાં વધારો દેખાઈ રહ્યો છે.

સિવિલમાં મચ્છરોના ઉપદ્રવને રોકવા સ્ટાફને તાલીમ

આરોગ્ય વિભાગની ટીમે તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની સમીક્ષા કરી હતી, સાથે જ મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. સિવિલ હોસ્ટેલમાં રહેતાં રેસિડેન્ટ પણ ડેન્ગ્યૂની બીમારીમાં સપડાયા છે, જેને લઈ હોસ્પિટલ કેમ્પસમાં સફાઈને લઈને પ્રશ્નો ઊભા થયા છે.

સોલા સિવિલમાં 14 દિવસમાં ડેન્ગ્યૂના 268, વાયરલના 4,171 દર્દી

સોલા સિવિલમાં સપ્ટેમ્બર મહિનાના 14 દિવસમાં ડેન્ગ્યૂના 1,337 શંકાસ્પદ કેસમાંથી 268 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે શરદી, ખાંસી, તાવ સહિત વાયરલ ઈન્ફેક્શનના 4171 દર્દીને સારવાર અપાઈ છે. મેલેરિયાના 62, ચિકન ગુનિયાના 20 પોઝિટિવ કેસ આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button