થાનગઢ તાલુકામાં મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે તંત્રની ટીમે પોલીસને સાથે રાખી રાવરાણીની સીમના બે કુવામાંથી ખનીજચોરી ઝડપી હાઇવે ઉપરથી ત્રણ કાર્બોસેલ ભરેલા ડમ્પર ઝડપી રૂ. 68 લાખનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
થાનગઢ વિસ્તાર રાજ્યમાં ખનીજ ચોરી માટે પંકાયેલો છે. ત્યારે ચોમાસા બાદ અનેક ગામડામાં ખુલ્લેઆમ બેફમ ખનીજ ચોરી શરુ કરી દેવાઈ છે. ત્યારે કલેકટર દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે કડક આદેશ આપતા ખનીજ અધિકારી જગદીશ વાઢેરની ટીમ દ્વારા રાવરાણીની સીમમાં તપાસ કરતા બે ઉંડા કુવામાંથી કાર્બોસેલની ચોરી કરતું ટ્રેક્ટર, જનરેટર, પાઈપ સહિતનો મુદામાલ જપ્ત કરી થાનના ગોવિંદ ભીમાભાઇ, એમપીના પ્રકાશ મંગુભાઈ અને ખોડા દાનાભાઈ સહિત ત્રણ સામે ફરિયાદ દાખલ કરાઈ છે. બીજી તરફ્ થાનગઢ અને કટારિયા ચેક પોસ્ટ પરથી ગેરકાયદે કાર્બોસેલ ભરેલા ત્રણ ડમ્પર ઝડપી લીધા હતા. આમ ખાણ ખનીજની ટીમે પોલીસને સાથે રાખી નંબર પ્લેટ વગરના ડમ્પર સહિત ત્રણ જગ્યાએથી રૂ. 68 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. હવે થાનગઢ વિસ્તારમાંથી ત્રણ અલગ અલગ રસ્તે સતત ગેરકાયદે ડમ્પર માતેલા સાંઢની જેમ દોડી રહ્યા છે. જે અટકાવવા માટે થાનગઢ પોલીસ કેવી કાર્યવાહી કરે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.
રોડ પર દોડતા નંબર પ્લેટ વગરનાં ડમ્પર જોખમી
ઝાલાવાડના થાનગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનીજ ભરેલા ડમ્પરો ચોટીલારોડ,આયાના પાટિયાથી હાઈવે અને મોરથળા રોડ થઈને રાજ્યના અલગ અલગ વિસ્તારમાં કોલસો પહોંચાડે છે. જેમાં મોટાભાગના ડમ્પર નંબર પ્લેટ વગર દોડતા હોવા છતાંય થાનગઢ પોલીસ આંખ આડા કાન કરતી હોવાથી અનેક પ્રકારની ગંભીર ઘટના બને ત્યારે આરોપી સુધી પહોંચવુ મુશ્કેલ બનતું હોય છે.
તંત્રની બેદરકારીથી કુદરતી સંપદાને મોટું નુકસાન થશે
થાનગઢ અને મૂળી વિસ્તારમાં ખનીજ માફ્યિાઓ ચંબલની ખીણની જેમ આડેધડ નવા ઉંડા કુવા, બુરેલા ખોદી ખુલ્લેઆમ ખનીજ ચોરી શરુ કરી રહ્યા છે. તંત્ર સયુક્ત ટીમ દ્વારા સતત ચેકિંગ નહી કરે તો સરકારી અને કુદરતી સંપતિને મોટાપાયે નુકશાન થઈ શકે છે અને નિર્દોષ શ્રામિકો મોટી દુર્ઘટનાનો ભોગ પણ બની શકે છે.
Source link