GUJARAT

Ahmedabad: હાઈકોર્ટના સ્ટે છતાં જમીન ચકાસણી થતાં તાપી કલેક્ટરનો ઉધડો લીધો

તાપી જિલ્લાના વલોદના કેટલાક ખેડૂતોના જમીનના માલિકી હક્ક અને દરજ્જાને લઇ વર્ષો બાદ ફરીથી ચકાસણીની કાર્યવાહી અને નોટિસ સહિતની પ્રક્રિયા હાથ ધરાતાં તેમ જ આ મામલામાં હાઇકોર્ટનો સ્ટે હોવાછતાં કલેકટર સહિતના સત્તાવાળાઓ દ્વારા પ્રક્રિયા હાથ ધરાતાં જસ્ટિસ નિખિલ એસ.કેરીયલે તાપી કલેકટર સહિતના સત્તાધીશોનો ઉધડો લીધો હતો અને સમગ્ર મામલે તેઓની પાસેથી ખુલાસો માંગ્યો છે.

હાઇકોર્ટે આ કેસમાં રાજય સરકાર, તાપી કલેકટર, તાપીના રેસીડેન્ટ એડિશનલ કલેકટર સહિતના સંબંધિત સત્તાવાળાઓને નોટિસ જારી કરી હતી. વધુમાં, હાઇકોર્ટની વચગાળાની રાહત હોવાછતાં તેને અવગણીને ફરીથી હાથ ધરાયેલી પ્રોસિડિંગ્સને લઇને ખુલાસો કરવા ફ્રમાન કરી જસ્ટિસ નિખિલ કેરીયલે તાપીના એડિશનલ રેસિડેન્ટ કલેકટરને આગામી મુદતે તા.9મી ડિસેમ્બરે હાઇકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે વધુમાં તા.13-8-2024ના સત્તાવાળાઓના વિવાદિત હુકમ સામે સ્ટે ફરમાવી દીધો હતો. તો, રેસીડેન્ટ એડિશનલ કલેકટરને ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા પણ હુકમ કર્યો હતો. તાપી જિલ્લાના વલોદ તાલુકાના કેટલાક ખેડૂતોના વારસોની વર્ષો પહેલાં રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી થયેલી હતી પરંતુ વર્ષો બાદ 2019માં અચાનક સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આ મામલામાં સુઓમોટો રિવીઝન સંજ્ઞાન લીધુ હતુ અને આ એન્ટ્રીઓ હિન્દુ સકસેશન એકટની જોગવાઇઓની વિરૂધ્ધની પડેલી હોઇ તેને રદબાતલ ઠરાવવાનો વિવાદીત નિર્ણય લીધો હતો. એન્ટ્રીઓ રદ કરવાના સ્થાનિક ડેપ્યુટી કલેકટરના હુકમને જિલ્લા કલેકટર અને બાદમાં એસએસઆરડી(રિવિઝનલ ઓથોરિટી)એ પણ યથાવત્ રાખ્યો હતો. જેને પગલે હાઇકોર્ટમાં અરજદારોએ રિટ અરજી દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરી અરજીના આખરી નિકાલ સુધી ઉપરોકત સત્તાવાળાઓના હુકમ સામે સ્ટે ફરમાવ્યો હતો. હાઇકોર્ટનો સ્ટે હોવાછતાંસ્થાનિક સત્તાવાળાઓ દ્વારા ખેડૂતોના દરજ્જા અને માલિકી હક્કની તપાસ અને પ્રક્રિયા શરૂ કરવામાં આવતાં અરજદારોએ ફરી હાઇકોર્ટમાં રિટ અરજી કરી અદાલતનું સમગ્ર મામલે ધ્યાન દોર્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button