વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનો દાહોદ જિલ્લો આજે ભારતના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત નોંધપાત્ર પ્રગતિ સાધી રહ્યો છે. આ મિશનની શરૂઆત જૂન 2015માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જીવનની ગુણવત્તામાં સુધાર લાવીને અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપીને શહેરી વિસ્તારોમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
આ મિશન હેઠળ દાહોદ ખાતે રૂપિયા 121 કરોડના અત્યાધુનિક ઈન્ટિગ્રેટેડ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર વિકસિત કરવામાં આવ્યું છે. ઉપરાંત, દાહોદમાં સ્થિત ઐતિહાસિક છાબ તળાવ, જે દાહોદના નાગરિકોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, તેનો પણ રૂપિયા 120.87 કરોડના ખર્ચે પુનરુદ્ધાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે શહેરી માળખાકીય સુવિધાઓ, જીવનની ગુણવત્તા અને ટકાઉ વિકાસને વધારવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે 25 જૂન, 2015ના રોજ સ્માર્ટ સિટીઝ મિશનની શરૂઆત કરી હતી. આ મિશનનો હેતુ સામાજિક, નાણાકીય અને સંસ્થાકીય પાસાઓનો વિકાસ કરીને શહેરોને મોડલ શહેરી વિસ્તારોમાં પરાવર્તિત કરવાનો છે. આ મિશન હેઠળ, સમગ્ર ભારતમાંથી 100 શહેરો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ, એમ છ શહેરોની પસંદગી કરવામાં આવી છે. દાહોદને સ્માર્ટ સિટીઝ મિશન હેઠળના 100 શહેરોમાંના એક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું, કારણકે આ પ્રદેશ મુખ્યત્વે જંગલોથી આચ્છાદિત છે અને તેમાં મુખ્યત્વે અનુસૂચિત જનજાતિ (આદિજાતિ)ના લોકો વસે છે.
દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DSCDL)
સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ દાહોદને ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે વિકસિત કરવા માટે પસંદ કરવામાં આવ્યું હતું. કંપનીધારા, 2013 હેઠળ 19 ડિસેમ્બર, 2017ના રોજ દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ તરીકે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરિણામે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સના દેખરેખ અને સંચાલન માટે નોડલ એજન્સી તરીકે દાહોદ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DSCDL)ની સ્થાપના કરવામાં આવી હતી. આ મિશન હેઠળ, DSCDLએ રૂપિયા 120.87 કરોડના ખર્ચે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવનો પુનરોદ્ધાર કર્યો અને રૂપિયા 121 કરોડના ખર્ચે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું.
ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)
DSCDLએ અદ્યતન IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને નાગરિકોની સુરક્ષા વધારવા અને શહેરના વિકાસને વેગ આપવા માટે દાહોદ ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC)નું નિર્માણ કર્યું છે. NH-13 પર શહેરથી 3 કિમી દૂર દાહોદ કલેક્ટર ઓફિસ કેમ્પસમાં આવેલી આ G+3 (ગ્રાઉન્ડ ફ્લોર+3 માળ) બિલ્ડિંગમાં ક્લાઉડ-આધારિત ડિઝાસ્ટર રિકવરી સાથેનું અત્યાધુનિક ડેટા સેન્ટર છે. સેન્ટરના ઓપરેશનલ એરિયામાં 7×4 વિડિયો વૉલ પર 25 ઓપરેટર્સ ચોવીસ કલાક શહેરનું નિરીક્ષણ કરે છે.
રૂપિયા 121 કરોડના ખર્ચે નિર્મિત દાહોદ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) શહેરના IT નર્વ સેન્ટર તરીકે કાર્ય કરે છે, જે પોલીસ અને ટ્રાફિક મૅનેજમેન્ટ જેવા વિભાગોને મદદરૂપ બને છે. ICCCનું વ્યાપક CCTV નેટવર્ક દાહોદ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં, ગુનાઓ ઉકેલવામાં અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.
ICCC દાહોદના મહત્ત્વપૂર્ણ ઘટકો
1. સિટી સર્વેલન્સ સિસ્ટમ: નાગરિકોની સુરક્ષા વધારવા માટે DSCDLએ સમગ્ર દાહોદમાં વ્યૂહાત્મક રીતે પસંદ કરેલા 79 સ્થળોએ 387 હાઇ-ડેફિનેશન સર્વેલન્સ કેમેરા ઇન્સ્ટોલ કર્યા છે, જેમાં IP PTZ, બુલેટ અને ડોમ કેમેરાનો સમાવેશ થાય છે. આ દરેક કેમેરાનું નિયંત્રણ ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) હેઠળ થાય છે.
2. સ્માર્ટ પોલ: દાહોદમાં દરેક સ્માર્ટ પોલ અદ્યતન તકનીકોથી સજ્જ છે, જેમાં સ્માર્ટ સ્ટ્રીટલાઈટ, વાઈ-ફાઈ, સર્વેલન્સ કેમેરા, એન્વાયર્નમેન્ટલ (પર્યાવરણીય) સેન્સર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને ઈમરજન્સી કૉલ બૉક્સનો સમાવેશ થાય છે.
3. ટ્રાફિક મૅનેજમેન્ટ: દાહોદની ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમમાં ટ્રાફિક વાયોલેશન ડિટેક્શન સિસ્ટમ (TVDS) સાથે 13 મુખ્ય સ્થળોએ 79 ANPR, 38 રેડ લાઇટ અને 6 સ્પીડ વાયોલેશન (ઉલ્લંઘન) કેમેરા અને એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ (ATCS)નો સમાવેશ થાય છે. આ સમગ્ર સિસ્ટમ માર્ગ સલામતી વધારે છે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ બને છે.
4. ઇન્ટરેક્ટિવ કિઓસ્ક: સમગ્ર શહેરમાં પાંચ ઇન્ટરેક્ટિવ કિઓસ્ક લગાવવામાં આવ્યા છે, જે નાગરિકોને સ્માર્ટ સિટી પહેલો સંબંધિત મહત્વની માહિતી પ્રદાન કરે છે.
5. ટેલિમેડિસિન અને EMR (ઇલેક્ટ્રોનિક મૅડિકલ રેકોર્ડ): વિવિધ હોસ્પિટલો ખાતે દસ ટેલિમેડિસિન કેન્દ્રો અંતરિયાળ સ્થળો સુધી તબીબી સહાય અને ઇમર્જન્સી સેવાઓ પ્રદાન કરે છે.
6. સ્માર્ટ વેસ્ટ મૅનેજમેન્ટ: GPSથી સજ્જ વાહનો, RFID-ટૅગવાળી કચરાપેટી અને રિઅલ-ટાઇમ અપડેટ્સ સાથેની સ્માર્ટ સિસ્ટમ કચરાના સંગ્રહનું સંચાલન કરે છે અને નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરે છે.
7. E-GIS સિસ્ટમ: આ GIS-આધારિત સિસ્ટમ સ્માર્ટ સિટીના તમામ રસ્તાઓ, બિલ્ડિંગ, વસ્તી, કુદરતી સ્ત્રોતો વગેરેનું મૅપિંગ કરે છે, લોકેશન સંબંધિત ડેટા દ્વારા વિશ્લેષણ કરે છે અને શહેરી વ્યવસ્થાપનને મજબૂત બનાવે છે.
Source link