- અંબાજી મંદિરમાં આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
- ભારે વરસાદમાં ભક્તો ભીંજાતા ભીંજાતા દર્શન કરવા પહોંચ્યા
- રજાના દિવસોમાં મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો
અંબાજી મંદિરમાં આજે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે. મંદિરમાં આરતીમાં મોટી સંખ્યામાં ભકતો જોડાયા હતા અને માતાજીના દર્શન કરીને આર્શીવાદ લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાંધણ છઠની સાંજે મંદિરની આરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતું.
મંદિરના ચાચર ચોકના પરિસરમાં પણ પાણી ભરાયા
ભારે વરસાદમાં ભક્તો ભીંજાતા ભીંજાતા પણ માતાના દર્શન કરવા પહોંચ્યા. ઘણા ભક્તો મંદિરમાં છત્રીઓ લઈને દર્શન કરવા આવ્યા હતા. મંદિરના ચાચર ચોકના પરિસરમાં પણ પાણી ભરાયા છે. રજાના દિવસોમાં મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ શક્તિપીઠ અંબાજી દર્શન કરવા માટે પહોંચ્યા
તમને જણાવી દઈએ કે આજે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ શક્તિપીઠ અંબાજી દર્શન કરવા માટે પહોંચ્યા હતા. અંબાજી મંદિર પહોંચતા ઋષિકેશ પટેલનું સ્વાગત અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા.
આ સાથે જ મંત્રી ઋષિકેશ પટેલએ જગતનું સંચાલન કરતીમાં જગત જનની અંબાના દર્શન કરી રાજ્યના સમૃદ્ધિ માટે કામના કરી હતી. આ સાથે જ મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તિલક કરી માતાજીની ચુંદડી ઓઢાડી મંત્રીને આશીર્વાદ આપ્યા હતા. આ સિવાય મંદિરમાં આવેલા સિદ્ધિ વિનાયક મંદિરમાં પણ આરોગ્ય મંત્રીએ દર્શન કર્યા હતા.
ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ પૂરજોશમાં
બીજી તરફ અંબાજીમાં યોજાનારા મહામેળાને પગલે હાલમાં વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લાખો લોકોને સુવિધાઓ પુરી પાડવાની હોય, ત્યારે નાના મોટા સંઘર્ષોને ભૂલી જય અંબે કહી સાથ સહકાર આપવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. વધુમાં ઋષિકેશ પટેલે કહ્યું કે વિશ્વના સૌથી મોટા મેળામાં સ્વચ્છતા જાળવવી આપણી ફરજ છે, ત્યારે સ્વચ્છતાને સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરી હતી.
મેળાના સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એડવાન્સ વાહન પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંઘના હોદ્દેદારો દ્વારા પ્રતિનિધિઓને મેળા દરમિયાન રોડ પર વાહન ન લઈ જવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
Source link