GUJARAT

Dhandhuka: બાજરડા ગામે નામો મતદાર યાદીમાંથી કમી કરાતા રોષ

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના બાજરડા ગામમાં વિચરતી અને વિમુક્ત જાતિઓના ડફેર પરિવારો વર્ષોથી રહે છે. તેઓ સીમ રખોપું અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષોથી આ પરિવારો અમાનવીય કહી શકાય તેવી સ્થિતિમાં ઝુંપડાઓ બાંધીને રહે છે.

થોડા સમય પહેલા આ પરિવારોના નામો મતદાર યાદીમાંથી અચાનક કમી કરી દેવાતા પરિવારે તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. વર્ષોથી બાજરડા ગામમાં રહેતા આ પરિવારો થોડા સમય માટે આજુબાજુના ગામોમાં જ્યાં મજૂરી મળે ત્યાં મજૂરી કરવા જાય છે. આ કારણથી આ પરિવારો નામો મતદાર યાદી માંથી કાઢી નાખવા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ભારતીય નિર્વાચન આયોગના નિયમ મુજબ જે તે નામ રદ કરવા માટે તે મતદારને પણ નોટિસ આપવામાં આવે છે અને તે વ્યકિતની રજૂઆત સાંભળવાની હોય છે. તો આ નિયમનું પાલન થયું નથી. સદીઓથી વિચરતું જીવન જીવતા પરિવારોને માંડ માંડ ચૂંટણી કાર્ડ મળ્યા છે.

તો તે પરિવારના નામો મતદારયાદીમાંથી કમી ના થાય તે માટે વિચરતા સમુદાય સમર્થન મંચના હર્ષદ કે. વ્યાસની આગેવાનીમાં ડફેર દાઉદભાઈ, ડફેર હુસેનભાઈ સહિતના પરિવારોએ ધંધૂકા મામલતદાર અને નાયબ કલેકટર ધંધૂકાને લેખિત રજુઆત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા ડફેર પરિવારોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે એક અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button