GUJARAT

Dhandhuka: ઊંચડીમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

ધંધૂકા પંથકમાં મેઘરાજા રોકાવાનું નામ જ નથી લેતા અને અવિરત રીતે બે ત્રણ દિવસથી પંથકને તરબોળ કરી રહ્યા છે. ધંધૂકા શહેરમાં 24 કલાકમાં 4 ઈંચ, ઊંચડીમાં 1 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતા સામાન્ય જનજીવન ખોરવાયું હતું.

ધંધૂકા શહેરમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે બિરલા ચાર રસ્તા અને ખાસ કરીને કોલેજ રોડ પર જળભરાવની સ્થિતિ જોવા મળી હતી. ગાજવીજ સાથે વરસેલા વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું હતું. કોલેજ રોડ પર આખું ચોમાસુ પાણી ભરાયું ન હતું. પરંતુ સ્થાનિકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે રૂ.16.44 લાખનું તાજેતરમાં બનાવેલ નવું ડિવાઈડર બનતા જળ ભરાવ થયો છે. ઊંચડી ગામે ગત રાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદે આ વિસ્તારના ખેડૂતોની ઊંઘ હરામ કરી નાંખી છે. અતિશય વરસાદને કારણે કપાસ, તલ અને એરંડાનું વાવેતર કરનાર ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને ગત રાત્રે વરસેલા વરસાદે રહીસહી ખેડૂતોની આશા પર પણ પાણી ફેરવી દીધું હતું. આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારી મહેનત પણ પાણી ફરી વળ્યું છે અને પાક નિષ્ફ્ળ ગયો છે. ફેદરા, ખસ્તા, ખડોલ સહિતના ગામોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. આમ પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક હજુ પણ હળવાથી ભારે વરસાદ પડી શકે છે. સમગ્ર પંથકમાં સાર્વત્રિક રીતે સરેરાશ બે ઈંચ વરસાદ પડયો છે.

કપાસનો પાક પાણીમાં : ભાદર નદી બે કાંઠે છલોછલ

ધંધૂકા તાલુકાના ગલસાણા અને છસિયાના ગામે 1 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ખેતરો પાણી પાણી થઈ જતા કપાસના ઉભા પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું. તાલુકામાં ભાદરવાના પાછોતરા વરસાદથી કપાસ, તલ અને એરંડાના પાકનું ધોવાણ થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ ઉપરાંત તાલુકામાં ભારે વરસાદથી ભાદર નથી બે કાંઠે છલોછલ થઈને વહેતી થઈ હતી.

ચૂડામાં દોઢ ઈંચથી વધુ વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજા ધીમા પડયા હોય તેમ છેલ્લા 24 કલાકમાં ચૂડામાં જ દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ચોટીલા અને સાયલામાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રા, થાન અને મૂળીમાં વરસાદી ઝાપટા પડયા છે. જયારે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં શનિવાર સાંજથી વરસાદી વાતાવરણ સર્જાયુ છે. પરંતુ વરસાદ વરસ્યો નથી. ચૂડામાં દોઢ ઈંચથી વધુ વરસાદથી નદી નાળા છલકાયા છે. બીજી તરફ જિલ્લામાં વરસાદી વાતાવરણને લીધે વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે. આગામી 24 કલાકમાં જિલ્લામાં વરસાદની શકયતા નહીંવત દર્શાવાઈ છે. ત્યારે વરસાદ વિરામ લેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

હળવદના બ્રાહ્મણી -2 ડેમની સંરક્ષણ દીવાલમાં ગાબડું પડતાં દોડધામ

હળવદ તાલુકામાં આવેલા બ્રાહ્મણી -2 એટલે કે શક્તિસાગર ડેમની દરવાજા નજીકની સંરક્ષણ દીવાલમાં કોઈ કારણોસર ગાબડું પડી ગયું હોવાનું સામે આવ્યું છે. જો કે, સિંચાઈ વિભાગના અધિકારીએ આ ગાબડાંથી ડેમને કોઈ નુકશાન થયું ન હોવાનું જણાવી તાત્કાલિક અસરથી આ ગાબડુ રીપેર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button