ધોળકા તાલુકાના ડડુસર ગામના પોપટિયાપરામાં પીવાના પાણીની પાઇપ લાઈનમાંથી દૂષિત પાણી આવતું હોવાથી અને ગ્રામ પંચાયત દ્વારા સમસ્યા હલ ના કરાતા ગુરુવારે જીગ્નેશકુમાર શ્રીગોળની આગેવાનીમાં ડડુસર ગામના ગ્રામજનોએ ધોળકાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને પ્રશ્ન હલ કરવા માંગણી કરાઈ હતી.
પ્રાંત અધિકારી સમક્ષ ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે પોપટિયાપરામાં છેલ્લા ઘણાં સમયથી નળમાં દૂષિત પાણી આવે છે. દૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડે છે. આ પ્રશ્ને ગત તા.1લી ઓકટોબરે સરપંચ અને તલાટીને રજૂઆત કરવા છતાં સમસ્યાને હલ કરવા તથા શુદ્ધ પાણી માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.
પ્રાંત અધિકારીએ ગ્રામજનોને સાંભળીને ધોળકા તાલુકા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગને આ મુદ્દે જાણ કરી સમસ્યા હલ કરવા હૈયાધારણ આપી હતી. ગ્રામજનોએ ગામમાં આરોગ્ય વિભાગની ટીમ મોકલી ડોર ટુ ડોર સર્વે કરવાની પણ માગ કરી હતી.
Source link