સુરેન્દ્રનગરના કુંભારપરામાં જશવંતભાઈ નાનજીભાઈ જાદવ રહે છે. ગત તા. 6-10-24ના રોજ તેઓને વાતોવાતોમાંથી શહેરના રાધાકૃષ્ણ કોમ્પલેક્ષમાં આવેલ ઓફીસમાં રૂ. 2 હજાર ભરો પછી 4 વાઉચર બુક અપાય છે.
આ બુક ભર્યા બાદ રૂ. 2 હજારના 4 હજાર મળે તેવી માહિતી મળી હતી. આથી તેઓ તા. 7મીએ આ ઓફીસમાં ગયા હતા. જયાં ધ્રાંગધ્રા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા કોમલબેન સુરેશભાઈ સુરેલા બેઠા હતા. તેઓએ જણાવેલ કે, અમારી કંપનીનું એફટીસી છે. જેના માલિક અમદાવાદના મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ પટેલ છે. અને તેઓએ જીએસટી રજીસ્ટ્રેશનવાળુ પ્રમાણપત્ર દર્શાવ્યુ હતુ. અને રૂ.2 હજાર ભર્યા બાદ 4 વાઉચર બુક અપાય છે અને પીડીએફના આધારે આ ભરી પરત કરવાથી રૂ. 4 હજાર મળતા હોવાનું કહેતા જશવંતભાઈએ પોતાનું, પત્ની જાનકીબેન અને ભાઈ દીપકભાઈ જાદવ એમ ત્રણ ખાતા ખોલાવી રૂ.6 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જેમાં થોડા દિવસ પછી પીડીએફ ફાઈલ પણ મળી હતી. બાદમાં વાઉચર બુક પુરી થતા કંપનીની ઓફીસે જતા તાળુ હતુ અને કોમલબેનને ફોન કરતા ફોન બંધ આવતો હતો. આથી તેના ઘરે તપાસ કરતા તે મળી આવેલ નહીં. આ મહિલાએ આવી રીતે ગામના અનેક લોકોને ચુનો લગાડયો હોવાનું બાદમાં સામે આવ્યુ હતુ. બનાવની જશવંતભાઈએ કોમલબેન સુરેશભાઈ સુરેલા, મહેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને તપાસમાં ખુલે તે તમામ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એસ.એમ. સોલંકી ચલાવી રહ્યા છે.
Source link