ડિજિટલ અરેસ્ટ કરી અમદાવાદના વેપારી પાસેથી 1 કરોડ 15 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે ગુનામાં સાઈબર ક્રાઈમે અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જે ગુનામાં વધુ પાંચ આરોપીઓ ઝડપાયા છે. જેમાં યસ બેન્કની ડીસા બ્રાન્ચના ડેપ્યુટી મેનેજર માવજી પટેલ, આસિસ્ટન્ટ મેનેજર દીપક સોની અને જતીન ચોખા વાલાની ધરપકડ કરી છે.
1 કરોડમાંથી 10 ટકા રકમ અધિકારીઓને મળવાની હતી
આ સાથે જ આરોપીઓના મિત્ર જીગર જોશી અને અનિલકુમાર મંડાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 1 કરોડ 15 લાખના ચીટીંગમાંથી 1 કરોડ પોતે ખોલેલા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જે એકાઉન્ટ શિવરાજ નામના આરોપીનું હતું. જે ખાતામાં આવેલા 1 કરોડમાંથી 10 ટકા રકમ અધિકારીઓને મળવાની હતી.
આરોપીઓએ ખોટી રીતે બેન્ક એકાઉન્ટ ચાલુ કર્યું
આ અગાઉ પકડાયેલા ત્રણ આરોપીની તપાસ દરમિયાન પોલીસને હકીકત મળી હતી કે ઝડપાયેલા આરોપી જીગર જોશીના એચડીએફસી બેન્કના એકાઉન્ટમાં 75 લાખ રૂપિયા આપ્યા હતા. જે 75 લાખ શિવરાજ નામના આરોપીના ખાતામાંથી ઝડપાયેલા બેન્ક અધિકારીઓએ જ ટ્રાન્સફર કર્યા હતા અને શિવરાજના બેન્ક એકાઉન્ટનું કેવાયસી કે સ્થાનિક એડ્રેસ ન હોવા છતાં આરોપીઓએ ખોટી રીતે બેન્ક એકાઉન્ટ ચાલુ કર્યું હતું.
જોકે જીગર જોશીના ખાતામાં આવેલા 75 લાખ રૂપિયા આરોપી નહીં આપે તેમ માની યસ બેન્કના ત્રણે અધિકારીઓએ એચડીએફસી બેન્કને મેઈલ કરી એકાઉન્ટ ફ્રીજ કરવા તથા રૂપિયા પરત મોકલવા જાણ કરી હતી. જેથી બેન્ક અધિકારીને શંકા જતા યસ બેન્કના અધિકારીઓની ગુનામાં સંડોવણી હોવાની શંકા સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે.
તમામ રોકડા રૂપિયા સાયબર ક્રાઈમે કબ્જે કર્યા
ઝડપાયેલા તમામ આરોપીઓની તપાસ કરતા હકીકત સામે આવી કે ઝડપાયેલા આરોપીઓએ 25 લાખ રૂપિયા રોકડા ઉપાડવા માટે પણ બેન્ક અધિકારીઓએ જ મદદ કરી હતી. આ સિવાય 1 કરોડમાંથી 9 લાખ રૂપિયા રોકડા પણ આરોપીઓએ જ પોતાની બેન્કમાંથી ઉપાડી લીધા હતા. જે તમામ રોકડા રૂપિયા સાયબર ક્રાઈમે કબ્જે કર્યા છે. સાથે જ બેન્ક અધિકારીઓએ કેટલા એકાઉન્ટ ખોટી રીતે ખોલ્યા છે તથા દેશભરમાં થયેલી છેતરપિંડીની કેટલી નોટિસો આ બેન્કને મળી છે. તેની માહિતી મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
Source link