સુરેન્દ્રનગર જિલ્લામાં સમગ્ર દેશ સાથે ગત તા. 8મી ડિસેમ્બરના રોજથી પોલીયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ વર્ષ સુધીના 2,21,449 બાળકોને દો બુંદ જિંદગી કી આપવામાં આવી રહ્યાં છે. જેમાં 1,87,665 બાળકોને પોલીયોની રસીના બે ટીપા અપાયા છે.
આમ, લક્ષ્યાંક સામે 85.65 ટકા કામગીરી થઈ છે. બાકી રહી ગયેલા બાળકોને હાઉસ-ટુ-હાઉસ જઈ આરોગ્ય કર્મીઓ પોલીયોની રસી આપશે. સરકારના પોલીયો નાબુદીના પ્રયાસોને લઈને દેશભરમાંથી પોલીયો લગભગ નાબુદ થઈ ગયો છે. તેમ છતાં પોલીયો ફરી ઉથલો ન મારે તે માટે સરકાર દ્વારા વર્ષમાં બે વાર પોલીયો રવિવાર ઉજવવામાં આવે છે. જેમાં 0 થી 5 વર્ષના દરેક બાળકોને દો બુંદ જીંદગી કી રૂપે પોલીયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા. 8મી ડિસેમ્બરને રવિવારથી ત્રિ-દિવસિય પોલીયો રસીકરણ અભિયાન શરૂ કરાયુ છે. સુરેન્દ્રનગર જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહીલના જણાવાયા મુજબ જિલ્લાના 2,21,449 બાળકોનું પોલીયો રસીકરણ કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેના માટે 859 બુથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, અંતરિયાળ વિસ્તારો સહિતના સ્થળોએ પણ પોલીયોની રસી આપવા આરોગ્ય કર્મીઓ તૈનાત રહ્યા હતા. પોલીયો અભિયાન અંતર્ગત પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, પાલિકાના કારોબારી ચેરમેન જીતેન્દ્રસીંહ ચાવડા, ટીએચઓ ડો. હરીત પાદરિયા, નરેશભાઈ પ્રજાપતિ સહિતનાઓની હાજરીમાં રવિવારે જોરાવરનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી પોલીયો રસીકરણની અધિકારીઓ અને પદાધિકારીઓના હસ્તે શરૂઆત કરાવવામાં આવી હતી અને સમગ્ર દિવસ દરમિયાન 2,21,449 બાળકોમાંથી 1,87,665 બાળકોને પોલીયોની રસી અપાઈ હતી. જે પ્રથમ દિવસે 85.65 ટકા કામગીરી થઈ હતી. રવિવારે પોલીયોની રસી આપવામાં બાકી રહી ગયેલા બાળકોને આરોગ્ય કર્મીઓ હાઉસ-ટુ-હાઉસ જઈને રસી આપશે.
Source link