GUJARAT

ડોક્ટર તેજસ દોશી ‘સ્વચ્છ ભારત મિશન’ માટે ભાવનગરના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર

છેલ્લા દાયકામાં જંગલોની પરિસ્થિતિ બદલાવા માંડી છે અને તમામ જગ્યાએ પ્લાસ્ટિકની બોટલો, થેલીઓ, કાગળીયા વગેરે જોવા મળે છે. કોઈએ તો આ કચરો સાફ કરવાની શરૂઆત કરવી જ પડશે અને હું પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનથી ખૂબ જ પ્રભાવિત થયો હતો અને આ જમીને મને બનાવ્યો છે તો મારે આ જમીનને કંઈક પાછું આપવું જોઈએ.

એવા વિચાર સાથે પ્લાસ્ટિક મુક્ત ભાવનગર બનાવવાની મારી યાત્રાની શરૂઆત થઈ.” આ શબ્દો છે, ભાવનગરમાં છેલ્લા 23 વર્ષોથી જનરલ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડૉ. તેજસ દોશીના. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 17 સપ્ટેમ્બરથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની ભાવનાને રાજ્યના નાગરિકોમાં ઉજાગર કરવાના હેતુથી આ અભિયાનનો ગુજરાતભરમાં પ્રારંભ કર્યો છે. ત્યારે ડૉ. તેજસ દોશી છેલ્લા એક દાયકાથી ‘સ્વચ્છતા હી સેવા’ના મંત્રને આત્મસાત કરીને ભાવનગરને પ્લાસ્ટિક મુક્ત કરવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે.

ડૉ. તેજસ દોશીએ પર્યાવરણના સંરક્ષણ સંબંધિત અલગ અલગ મોટા પ્રોજેક્ટ્સ ચલાવ્યા છે અને તેમાં મોટી સફળતા મળી છે. તેમના સ્વચ્છતા સંબંધિત પ્રોજેક્ટ્સની નોંધ લઈને વર્ષ 2019માં તેમને ભાવનગર માટે ‘સ્વચ્છ ભારત મિશન – ભારત સરકાર’ ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

વર્ષ 2014માં સૌપ્રથમ ‘નો હોંકિંગ પ્રોજેક્ટ’

અવાજના પ્રદૂષણને ઘટવા અને ડામવા માટે યુવાનોને કારણ વગર હોર્ન મારતા અટકાવવાના પ્રયાસરૂપે ડૉ. તેજસ દોશીએ વર્ષ 2014માં ‘નો હોંકિંગ પ્રોજેક્ટ’ અમલમાં મૂક્યો હતો. આ પ્રોજેક્ટ 52 અઠવાડિયા માટે 52 શાળાઓના 52 હજાર બાળકો દ્વારા અમલમાં મૂકવો તેવો શરૂઆતમાં વિચાર હતો. આ બાળકો તેમની શાળાની નજીકના ચાર રસ્તા પાસે જઈને ગુજરાતી ભાષામાં ધ્વનિ પ્રદૂષણ સંબંધિત અલગ અલગ બેનર્સ લઈને એક કલાક સુધી ઊભા રહે અને કોઈ નારા કે કોઈ સૂત્રોચ્ચાર કર્યા વગર માત્ર મૌન બેનર્સ લઈને ઉભા રહેવાનું. આ ઉપરાંત, ધ્વનિ પ્રદૂષણ અને હોર્ન નહીં મારવા સંબંધિત ચોપાનિયાં પણ છપાવવામાં આવ્યા અને બાળકોને સૂચના આપી કે આ ચોપાનિયાં ડૂચો મારીને ચાર રસ્તે વાહન લઈને ઉભા રહેતા લોકોના હાથમાં આપવા. જો ડૂચો વાળીને કાગળ આપીશું તો સહજ જિજ્ઞાસાથી લોકો તેને ખોલીને વાંચવા માટે પ્રેરાશે.

આ પ્રોજેક્ટને મોટી સફળતા મળી અને માત્ર 52 અઠવાડિયા માટે વિચારેલો આ પ્રોજેક્ટ 153 અઠવાડિયા સુધી ચાલ્યો હતો અને આ પ્રોજેક્ટમાં 153 શાળાઓના 1,53,000 બાળકો તેમાં સામેલ થયા. ઉલ્લેખનીય વાત એ છે કે આ પ્રોજેક્ટની તર્જ પર રાજ્યમાં અનેક શહેરોમાં નો હોંકિંગ પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવ્યા હતા.

જોય ઑફ ગિવિંગ કેમ્પેઈન ચલાવ્યું

પોતાની ક્લિનિકના ખાનામાં 38 જેટલી નકામી પ્લાસ્ટિકની પેનો જોઈને ડૉ. દોશીને વિચાર આવ્યો કે જો મારી પાસે જ આટલી મોટી માત્રામાં ખાલી પેનો છે તો અન્ય લોકો પાસે કેટલી નકામી પેનો હશે? અને આમાંથી જ ‘જોય ઑફ ગિવિંગ’ પ્રોજેક્ટનો જન્મ થયો, જે 3R એટલે કે ‘રિસાયકલ, રિપ્રોડ્યુસ, રિયુઝ’ના કોન્સેપ્ટ સાથે અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ એક સોશિયલ મીડિયા કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું. સોશિયલ મીડિયામાં તેમણે મેસેજ ફરતો કર્યો કે ‘તમારી જૂની, એક્સ્ટ્રા પેનો મારા ક્લિનિક પર મોકલાવશો. હું તેમાં નવી રિફિલો નખાવીને આ પેનો જરૂરિયાતમંદ લોકોને મોકલાવું છું.’

2019થી 2024ના જૂન મહિના સુધીમાં આ પ્રોજેક્ટ હેઠળ ડોક્ટર સાહેબે 11 લાખથી વધુ પેનોનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કર્યું છે અને 3,56,000થી વધુ વિદ્યાર્થીઓ સુધી પેનો પહોંચાડવામાં આવી છે. ગુજરાતમાં ભાવનગરની તમામ સરકારી શાળાઓ, ડાંગની આદિવાસી શાળાઓ સાથે જ ગુજરાતની આસપાસના રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય અને બેંગલોર સુધી ડોક્ટરે આ રિફિલ થયેલી પેનો પહોંચાડી છે. આ પ્રોજેક્ટ એટલો સફળ થયો છે કે તે ભારતની બહાર પણ પહોંચી ચૂક્યો છે. આજે તેમની ક્લિનિકમાં શિકાગો, વર્જિનિયા અને મેલબોર્નથી પણ ખાલી પેનો આવે છે.

પ્રોજેક્ટ 3: ડોન્ટ કટ ધ કોર્નર

2019માં ભાવનગરમાં ભારે વરસાદના કારણે ગટરો ચોકઅપ થઈ ગઈ. ડૉ. દોશીએ ગટરોમાં રહેલા કચરાને લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલ્યો અને તેના રિપોર્ટ મુજબ આ કચરામાં સૌથી વધુ પ્લાસ્ટિક હતું અને ખાસ તો પ્લાસ્ટિકની કોથળીઓના કાપી નાખવામાં આવેલા કોર્નર હતા. આ એક મોટી સમસ્યા છે કે બહેનો દૂધ કે છાશની કોથળી ખાલી કરે ત્યારે કોર્નર કાપીને પછી દૂધ કે છાશ તપેલીમાં ઠાલવી દે છે અને પછી આ થેલીઓ તો રિસાયકલમાં જતી રહે છે પણ તેનો કપાયેલો કોર્નર કચરામાં જાય છે અને આ કચરો ગટરમાં જમા થાય.

આ સમસ્યાને લઈને ડોક્ટર સાહેબે ભાવનગરમાં ‘ડોન્ટ કટ ધ કોર્નર’ અભિયાન ચલાવ્યું હતું, જે અંતર્ગત તેમણે 250 શાળા-કોલેજોમાં 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓના લેક્ચર લીધા અને 130થી વધુ સોસાયટીઓમાં બહેનોને પણ સમજાવી કે દૂધ-છાશ વગેરેની પ્લાસ્ટિકની કોથળીમાં ફક્ત એક જ કાપો જ મારવો અને આખો કોર્નર કટ કરીને થેલી કચરામાં નાખવી.

ઈકો બ્રિક્સ અભિયાન દ્વારા ભાવનગરમાં ભારતનો પ્રથમ ઈકો બ્રિક પાર્ક બન્યો

કોરોના સમયગાળા પછી રસ્તા પર મોટી સંખ્યામાં નાની-નાની પ્લાસ્ટિકની કોથળીઓ જોવા મળતી હતી અને જે પ્રાણીઓના પેટમાં પણ જવા લાગી હતી તો ફરી એક વખત ડૉક્ટર દોશીએ ઈકો બ્રિક્સ એટલે કે પર્યાવરણને અનુકૂળ એવી ઈંટો માટેનું અભિયાન શરૂ કર્યું અને જેની હેઠળ 1 લીટરની પાણીની બોટલમાં રિસાયકલ ન થઈ શકે તેવી પ્લાસ્ટિકની કોથળીઓ ભેગી કરવા કહ્યું અને એ બોટલ તેમની પાસે જમા કરાવવાની.

3 મહિનામાં ફક્ત 30 જ બોટલો જમા થઈ અને ડોક્ટર સાહેબે વિચાર્યું કે જો આની પર કોઈ વળતર જાહેર કરીશું તો જ આ અભિયાનને સારો પ્રતિસાદ મળશે. તેમણે અભિયાન ચલાવ્યું કે આવી 3 બોટલો જમા કરો ને બદલામાં રૂપિયા 10 આપવામાં આવશે. આ અભિયાનને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ જબરદસ્ત સપોર્ટ મળ્યો. રસ્તા પરના સફાઈ કામદારો સવારમાં આવી કોથળીઓ ભેગી કરે અને બપોરે બોટલમાં ભરીને તેની ઈકો-બ્રિક બનાવે અને જમા કરાવે.

આ કામ માટે ભાવનગરના 13 વોર્ડમાં 13 ઓફિસો પણ બનાવવામાં આવી, જ્યાં આ બોટલો જમા કરવામાં આવતી હતી. 1 વર્ષની અંદર 1 લાખ 80 હજાર જેટલી બોટલો જમા કરાવવામાં આવી. આ બોટલોની મદદથી દેશનો પહેલો ઈકો બ્રિક પાર્ક એટલે કે બગીચો ભાવનગર શહેરમાં બનાવવામાં આવ્યો. આ માટે ભાવનગર કોર્પોરેશને લગભગ 500 મીટરની જગ્યા પણ ફાળવી હતી.

50 પ્લાસ્ટિકની થેલીના બદલામાં કાપડની એક થેલી લઈ જાઓ

ઈકો-બ્રિક પ્રોજેક્ટ પછી પણ પ્લાસ્ટિકની નાની નાની થેલીઓ રસ્તા પરથી ખાસ દૂર થઈ ન હતી. તેથી, ડૉક્ટરે ફરી એક નવો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો અને તેનું નામ આપ્યું કોટન બેગ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ હેઠળ તેમણે નવું અભિયાન શરૂ કર્યું કે 50 પ્લાસ્ટિકની થેલીઓ મને આપો અને બદલામાં 1 કાપડની થેલી લઈ જાઓ. વર્ષ 2022માં શરૂ કરેલા આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1.5 લાખ કાપડની થેલીઓનું વિતરણ કર્યું અને બદલામાં 75 લાખ પ્લાસ્ટિકની કોથળીઓ તેમણે સમાજમાંથી ઓછી કરી છે.

આ તમામ થેલીઓ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરવામાં આવી, ત્યાંથી આ થેલીઓને રિસાયકલ પ્લાન્ટમાં મોકલી દેવામાં આવે છે અને જેનો ઉપયોગ રસ્તાઓ, બ્લોક્સ વગેરે બનાવવા માટે કરવામાં આવે છે. આ સમગ્ર પ્રોજેક્ટનો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખૂબ જ સહકાર મળી રહ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button