DRDOએ તાજેતરમાં ગાઈડેડ રોકેટ સિસ્ટમ પિનાકાનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણો અલગ-અલગ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં કરવામાં આવ્યા હતા. જેનો ઉદ્દેશ્ય રેન્જ, સટીકતા, સ્થિરતા વગેરેની તપાસ કરવાનો હતો. જેમાં પિનાકા રોકેટ સિસ્ટમે સફળતા મેળવી છે.
સંપૂર્ણપણે સ્વદેશી હથિયાર સિસ્ટમ
લોન્ચર પ્રોડક્શન એજન્સીઓ દ્વારા અપગ્રેડ કરાયેલા બે ઈન-સર્વિસ પિનાકા લોન્ચર્સમાંથી દરેક પ્રોડક્શન એજન્સીમાંથી 12 રોકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પિનાકા મલ્ટીપલ લોન્ચ રોકેટ સિસ્ટમનું પ્રિસિઝન સ્ટ્રાઈક વર્ઝન સંપૂર્ણપણે સ્વદેશી હથિયાર સિસ્ટમ છે. પિનાકાને લોન્ચ કરવાથી લઈને લક્ષ્ય સુધી પહોંચવા સુધી, રડાર, ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ ટાર્ગેટીંગ સિસ્ટમ અને ટેલિમેટ્રી સિસ્ટમ વગેરે પર નજર રાખવામાં આવી હતી. આ રોકેટની તમામ પ્રણાલીઓએ નિર્ધારિત માપદંડોને સફળતાપૂર્વક પાર કર્યા અને ઉચ્ચતમ સટીકતાથી નિશાનને ધ્વસ્ત કરી દીધું. આ રોકેટનું નામ ભગવાન શિવના ધનુષ ‘પિનાક’ના નામ પરથી રાખવામાં આવ્યું છે.
44 સેકન્ડમાં 12 રોકેટ લોન્ચ કરે છે પિનાકા રોકેટ સિસ્ટમ
પિનાકા રોકેટ સિસ્ટમ 44 સેકન્ડમાં 12 રોકેટ લોન્ચ કરે છે. એટલે કે લગભગ દર 4 સેકન્ડે એક રોકેટ લોન્ચ થાય છે. આ 214 કેલિબર લોન્ચરથી એક પછી એક 12 પિનાકા રોકેટ છોડવામાં આવે છે. એટલે કે દુશ્મનના ઠેકાણાને કબ્રસ્તાનમાં ફેરવવા માટે આ શ્રેષ્ઠ હથિયાર છે. રોકેટ લોન્ચરની રેન્જ 7 KMથી લઈને નજીકના લક્ષ્ય સુધીની હોઈ શકે છે અને 90 KM દૂર બેઠેલા દુશ્મનને નષ્ટ કરી શકે છે.
1 કલાકમાં 5500 કિલોમીટરથી વધારેની ઝડપ
રોકેટ લોન્ચરના ત્રણ પ્રકાર છે. MK-1 45 KM સુધી હુમલો કરી શકે છે, MK-2 લોન્ચર 90 KM સુધી હુમલો કરી શકે છે અને MK-3 લોન્ચર 120 KM સુધી હુમલો કરી શકે છે. આ લોન્ચરની લંબાઈ 16 ફૂટ 3 ઈંચથી લઈને 23 ફૂટ 7 ઈંચ સુધીની છે. તેનો વ્યાસ 8.4 ઈંચ છે. આ લોન્ચરથી છોડવામાં આવેલા પિનાકા રોકેટ પર હાઈ એક્સપ્લોઝિવ ફ્રેગમેન્ટેશન (HMX), ક્લસ્ટર બોમ્બ, એન્ટી પર્સનલ, એન્ટી ટેન્ક અને લેન્ડમાઈનવાળા હથિયારો લગાવી શકાય છે. આ રોકેટ 100 કિલોમીટર સુધીના વજનના હથિયારો ઉપાડવામાં સક્ષમ છે. પિનાકા રોકેટની ઝડપ 5757.70 KM/Hr છે. એટલે કે તે એક સેકન્ડમાં 1.61 KMની ઝડપે હુમલો કરે છે.