એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાંથી ફરી એકવાર ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને ‘ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા કેમ્પેઈન’ હેઠળ, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 5 હજાર કરોડ રૂપિયાનું 562 કિલો કોકેઈન જપ્ત કર્યું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે ગુજરાતના અંકલેશ્વરમાં આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાં સર્ચ દરમિયાન 562 કિલો કોકેઈન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે.
આ અગાઉ પણ અંકલેશ્વરમાંથી અનેકવાર ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે. આ પહેલાં 1 ઓક્ટોબર, 2024ના રોજ દિલ્હીની સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડા પાડ્યા હતા અને 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કર્યા હતા. આ પછી, 10 ઓક્ટોબર, 2024ના રોજ તપાસ દરમિયાન આ જ કેસમાં દિલ્હીના રમેશ નગરમાં એક દુકાનમાંથી લગભગ 208 કિલો કોકેઈન મળી આવ્યું હતું.
તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે
દિલ્હી કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ તમામ માદક દ્રવ્ય ફાર્મા સોલ્યુશન સર્વિસ નામની કંપનીનું છે અને આ નશીલા પદાર્થ ગુજરાતના અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવ્યો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ 1289 કિલો કોકેઇન અને 40 કિલો હાઈડ્રોપોનિક થાઈ ગાંજો મળી આવ્યો છે, જેની કુલ કિંમત 13000 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
હજારો કરોડના ડ્રગ્સની રિકવરી મામલે દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસ વચ્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નશીલા પદાર્થને દિવાળી 2024 અને નવા વર્ષ 2025માં દિલ્હી, યુપી, બિહાર, ગુજરાત, પંજાબ, મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાં પહોંચાડવાનો હતો. પરંતુ આ પહેલાં તપાસ એજન્સીઓએ આ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
પાંચ મહિના પહેલા પોરબંદર પાસે ભારતીય બોટમાંથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું
પાંચ મહિના પહેલાં અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીનો સુરક્ષા એજન્સી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 8 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાંથી 14 જેટલા પાકિસ્તાની શખ્સની બોટમાંથી 86 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ. 600 કરોડ જેવી હતી. ત્યાં કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અરબી સમુદ્રમાંથી પસાર થતી એક ભારતીય બોટને શંકાના આધારે રોકીને એની તલાશી લેતાં એમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. ઝડપાયેલા બન્ને શખ્સને પોરબંદર લાવવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડ દ્વારા આ વિગતો આપવામાં આવી છે. અરબી સમુદ્રમાંથી બે દિવસથી નશીલા પર્દાથનો જથ્થો ઝડપાતાં ભારે ચર્ચા જોવા મળી રહી છે.