GUJARAT

Surendranagar: થાનમાં ડોક્ટરની બેદરકારીથી પ્રસૂતાની હાલત ગંભીર

મુળી તાલુકાના વગડીયા ગામના પરીવારની પુત્રવધુને પ્રસવ પીડા ઉપડતા થાનની ચામુંડા હોસ્પીટલ લઈ જવાઈ હતી. જેમાં સીઝેરીયન ઓપરેશન બાદ પરીણીતાની તબીયત લથડતા તેને પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ અમદાવાદ લઈ જવાઈ હતી. હાલ પરિણીતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ત્યારે પરીવારજનોએ થાન પોલીસ મથકે લેખીત અરજી કરી ડોકટર સામે કાર્યવાહીની માંગ કરી છે.

રાજયમાં ખ્યાતી હોસ્પીટલની કરતુતો સામે આવતા એક પછી એક હોસ્પીટલમાં આવા બનાવો સામે આવે છે. જેમાં હાલ થાનની ચામુંડા હોસ્પીટલ ચર્ચામાં છે. મુળી તાલુકાના વગડીયા ગામે રહેતા જયંતીભાઈ નાથાભાઈ પનારાએ થાન પોલીસ મથકે કરેલી અરજીમાંથી મળતી માહીતી મુજબ 23 વર્ષીય વીનુબેન સંજયભાઈ પનારાએ નવમો માસ ગર્ભાવસ્થાનો ચાલતો હતો. તા. 10-12ના રોજ બપોરના સમયે પરીવારજનો પરીણીતાને રૂટીન ચેકઅપ માટે થાનની ચામુંડા હોસ્પીટલ લઈ ગયા હતા. જયાં ડો. રાજેશ ઝાલાએ તપાસી ડીલીવરીનો સમય નજીક છે, 2-3 કલાક રોકાઈ જાવ નોર્મલ ડીલીવરી થઈ જશે તેમ કહેતા પરીવારજનો રોકાઈ ગયા હતા.

રાતના નવ કલાકે ડોકટરે આવી હાડકુ ફસાયુ છે, સીઝેરીયન કરવુ પડશે તેમ કહી પરીવારજનોને કોઈ ચિંતાની વાત નથી તેમ કહી આશ્વાસન આપી હાલ 15 હજાર અને પ્રસુતી બાદ 15 હજાર ભરવા કહ્યુ હતુ. જેમાં સીઝેરીયનમાં અસહ્ય પીડા બાદ પ્રસુતાએ દિકરીને જન્મ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ તેઓની તબીયત લથડી હતી. આથી તેઓને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પીટલ લઈ જવાયા હતા.

જયાંના ડોકટરોએ હીસ્ટ્રી પુછવા ડો. રાજેશ ઝાલાને ફોન કરતા તેઓએ ફોન રીસીવ કરવાનું ટાળ્યુ હતુ. અને કેસ બગડી જતા પ્રસુતાને અમદાવાદ લઈ જવાઈ હતી. હાલ વીનુબેનની તબીયત નાજુક છે. આથી જયંતીભાઈએ થાન પોલીસ મથકે અરજી કરી ડોકટર સામે કાર્યવાહીની માંગ કરી છે.

સવા હોસ્પિટલમાં ફોન જતા પેશન્ટને દાખલ કરવાની ના પાડી

થાનની ચામુંડા હોસ્પીટલમાં સીઝેરીયન બાદ પ્રસુતાને પેશાબ બંધ થઈ ગયો હતો. અને ડોકટરે હાથ ઉંચા કરી સુરેન્દ્રનગર લઈ જવાનું કહેતા પરીવાર સૌ પ્રથમ પ્રસુતાને જોરાવરનગરની સવા હોસ્પીટલ લઈ ગયા હતા. જેમાં ડો. રાજેશ ઝાલાએ ફોન કરી દેતા સવા હોસ્પીટલે પેશન્ટને દાખલ કરવાની ના પાડી દીધી હતી. આથી પ્રસુતાને સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાઈ હતી.

વધુ નાણા રળવા નોર્મલના બદલે સીઝેરિયન કરાયુ

ખ્યાતી કાંડ બાદ સામાન્ય લોકોને પણ સમજમાં આવી જાય છે કે, વધુ નાણા રળવા ડોકટરો કેવા કેવા પેંતરા અજમાવે છે. જેમાં આ કેસમાં પણ પહેલા રૂટીન ચેકઅપ માટે આવેલી પરીણીતાને ડીલીવરીનો સમય થઈ ગયો છે કહી નોર્મલ ડીલીવરીનું કહેવાયુ હતુ. બાદમાં પ-6 કલાક પછી સીઝેરીયન કરવુ પડશે તેમ કહી 15 હજાર અત્યારે અને 15 હજાર પ્રસુતી બાદ ભરવા જણાવ્યુ હતુ. નોર્મલ ડીલીવરી કરતા સીઝેરીયનમાં વધુ નાણા મળતા હોવાથી આવુ કરાયુ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button