- શામળાજી અને ડાકોરમાં વરસતા વરસાદ વચ્ચે જય રણછોડ માખણચોરના નાદ સાથે ઉત્સવ
- દ્વારકામાં ત્રણ દિવસમાં 2.45 લાખ ભાવિકોએ ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કર્યા
- વરસાદી માહોલમાં રાતના 12ના ટકોરે ભાવિકોની ઉપસ્થિતિમા જન્મોત્સવ ઉજવાયો હતો
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની રાજ્યભરના નાના-મોટા મંદિરો તથા મુખ્ય મથક સમાન દ્વારકા, શામળાજી અને ડાકોરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. વરસાદની સ્થિતિ છતાં લોકો ભગવાનના દર્શન કરવા ઉમટી પડયા હતા. સોમવારે રાત્રે 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગ્ટય દિનની ઉજવણી કરવામાં આવી હતી. પંજરીનો પ્રસાદ લોકોમાં વહેંચાયો હતો.
દ્વારકામાં જન્માષ્ટમી પર્વના પાવન અવસરે સોમવારે રાત્રીના હજારો ભાવિકોએ જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે શ્રીકૃષ્ણ ભગવાનના 5,251મા જન્મોત્સવની ભકિતમય ઉજવણી કરી હતી. ત્રણ દિવસમાં 2.45 લાખ ભાવિકોએ ભગવાનના દર્શન કર્યા હતા. ભકતોએ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યું હતુ. વરસાદી માહોલમાં રાતના 12ના ટકોરે ભાવિકોની ઉપસ્થિતિમા જન્મોત્સવ ઉજવાયો હતો. વહેલી સવારે ભાવિકોએ ગોમતી નદીના સ્નાનનો લાભ લીધો હતો. જગતમંદિરમાં લાંબી લાઈનમાં પણ ઉભા રહી ભાવિકોએ દર્શન કર્યા હતા. પારણા નોમના દિવસે ઠાકોરજીને અન્નકુટ દર્શન મનોરથ યોજાયા હતા.યાત્રાધામ શામળાજી ખાતે સવારે 6 વાગ્યાથી મંદિર ખુલી જતાં શ્રાધ્ધાળુઓની કતારો લાગી હતી. એક લાખ કરતાં વધુ શ્રાધ્ધાળુઓએ દર્શન કર્યા હતા. સવારે 10 કલાકે શામળાજીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. યુવક મંડળ દ્વારા શામળાજી નગરમાં 108 મટકીઓ બાંધી ફોડવામાં આવી હતી. જન્માષ્ટમીને પગલે શામળિયા શેઠને હીરા, મોતીના હાર સહિતના અલંકાર અને વાઘા પરિધાન કરાવવામાં આવ્યા હતા. જ્યારે મંદિરનું ગર્ભગૃહ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું. ભગવાનની દૈદીપ્યમાન મૂર્તિના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. વરસતા વરસાદ વચ્ચે પણ જન્માષ્ટમીની રાત્રિએ શ્રાધ્ધાળુઓએ રાસ-ગરબા કર્યા હતા. દિવસભર શામળાજીમાં માનવ મેદની જોવા મળી હતી. જન્માષ્ટમીની ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રાધ્ધાળુઓ શામળાજીમાં ઉમટી પડતા 150થી વધુ પોલીસ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તમાં રહ્યા હતા. ડાકોરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બહારગામના યાત્રિકો નહિવત હોવાથી રહેવાસીઓએ ભગવાનની જન્મની રાત્રે 12:00 વાગે મંદિરના પ્રાંગણમાં ધામધૂમથી ઉજવણી કરી હતી. ડાકોરમાં જિલ્લા દોઢ દિવસથી વરસાદના કારણે આખું ડાકોર ગામ પાણીમાં ગરકાવ થયું હતું.
Source link