GUJARAT

Exam: ધો. 10-12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, 27 ફેબ્રુ.થી 13 માર્ચ સુધી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 (SSC), સંસ્કૃત પ્રથમ અને ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી ફેબ્રુઆરી-માર્ચ-2025માં લેવાશે. 27 ફેબ્રુઆરી 2025થી 13 માર્ચ 2025 સુધી આ પરીક્ષા યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર રાખવામાં આવ્યો છે.

આ વર્ષે 15 દિવસ પહેલા પરીક્ષાનું આયોજન

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. દર વર્ષે બોર્ડની પરીક્ષા 15 માર્ચથી શરૂ કરવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે 15 દિવસ વહેલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની અને 12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ 12ની સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહની 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય 10થી 1.15 સુધીનો રહેશે, જ્યારે ધોરણ 12નો સમય 3થી 6.15 સુધીનો રહેશે. ધોરણ 10ના વોકેશનલ કોર્સ સિવાયના તમામ વિષયોના પ્રશ્નોપત્રો 80 ગુણના રહેશે.

15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે

દરેક પ્રશ્ન પત્રમાં 15 મિનિટનો સમય વધુ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીને ઉત્તરવહી ઉપરની વિગતો ભરવા માટેની શરૂઆતની પાંચ મિનિટ અને પ્રશ્નપત્ર વાંચવા માટે 10 મિનિટ ફાળવવામાં આવશે અને જવાબ લખવા માટે નિયમ મુજબ 1 કલાકથી 3 કલાક સુધીનો સમય રહશે. પ્રથમ પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓએ પરીક્ષા સેન્ટર પર શરૂ થવાની 30 મિનિટ પહેલાં પહોંચવાનું રહેશે, બાકીના દિવસોએ 20 મિનિટ અગાઉ રહેવાનું રહેશે.

23 માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા

આ સાથે જ ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાઈ છે. શિક્ષણ વિભાગે વર્ષ 2025 માટે રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ A-Bના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજવામાં આવશે.

ગુજકેટની પરીક્ષા 23 માર્ચ 2025ના રવિવારના રોજ સવારે 10 વાગ્યાથી બપોરના 4 વાગ્યા દરમિયાન જિલ્લાકક્ષાનાં કેન્દ્રો ખાતે યોજાશે. ગુજકેટ 2025નું આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ તથા માહિતી બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પ્રસિદ્ધ કરવામાં આવશે એ અંગેની જાણ અખબારી યાદી દ્વારા હવે પછીથી જાહેર કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button