સંસદનું શિયાળુ સત્ર શરૂ થયુ છે. ત્યારે આજે વિદેશમંત્રી જયશંકરે આજે ભારત ચીન વિવાદ પર જાણકારી આપી હતી. તેમણે સદનમાં બોલતા જણાવ્યું કે એલએસી પર હાલ સ્થિતિ સામાન્ય છે. હાલમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે બંને દેશો સરહદ પર સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ પક્ષ પરિસ્થિતિ સાથે છેડછાડ કરશે નહીં અને તમામ મુદ્દાઓ સંમતિથી જ ઉકેલાશે. ચીન સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે સરહદ પર સ્થિતિ સામાન્ય થયા બાદ જ ચીન સાથે વાતચીત કરવામાં આવી હતી.
શ્રેય સેનાને જાય છે- વિદેશ મંત્રી
વિદેશ મંત્રીએ કહ્યું કે LAC પર શાંતિ પુનઃસ્થાપિત કરવાનો સંપૂર્ણ શ્રેય સેનાને જાય છે. તેમણે વધુમાં કહ્યું કે રાજદ્વારી પહેલને કારણે સરહદ પર સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે એ વાત પર સહમતિ બની છે કે યથાસ્થિતિમાં કોઈ એકપક્ષીય ફેરફાર નહીં થાય અને તે જ સમયે બંને દેશો વચ્ચેના જૂના કરારોનું પાલન કરવામાં આવશે. સરહદ પર શાંતિ વિના ભારત-ચીન સંબંધો સામાન્ય રહી શકે નહીં.
બંને દેશોની સેનાઓ વિવાદિત વિસ્તારમાંથી હટી ગઈ
તમને જણાવી દઈએ કે 21 ઓક્ટોબરે ભારત અને ચીનની સેનાઓએ વિવાદિત પૂર્વી લદ્દાખના ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી પોતપોતાનો સામાન ખાલી કરાવવાનું શરૂ કર્યું હતું અને તે નવેમ્બર મહિના પહેલા પૂર્ણ થયું હતું. જૂન 2020 માં ગલવાન ઘાટીમાં ઘાતક અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા હતા. આ અથડામણ દાયકાઓમાં બંને પક્ષો વચ્ચેનો સૌથી ગંભીર લશ્કરી સંઘર્ષ હતો.