ચક્રવાત ફેંગલ આગામી બે દિવસમાં તમિલનાડુ તરફ આગળ વધશે. બંગાળની ખાડીમાંથી સર્જાયેલા આ ચક્રવાતને કારણે ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપેટ, તિરુવલ્લુર, કુડ્ડલોર, નાગપટ્ટનમમાં વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે 75-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ચક્રવાતને પગલે ઘણી ફ્લાઇટ અને ટ્રેનો રદ કરવામાં આવી છે. શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે તમિલનાડુની સાથે આંધ્રપ્રદેશ, કેરળ અને પુડુચેરીને પણ અસર થશે. રસપ્રદ વાત એ છે કે ફેંગલ ચક્રવાતનું સાઉદી અરેબિયા સાથે કનેક્શન છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે.
ફેંગલ શબ્દ ક્યાંથી આવ્યો?
ફેંગલ શબ્દ અરબી ભાષાનો શબ્દ છે. આ ચક્રવાતને સાઉદી અરેબિયાએ નામ આપ્યુ છે. અરબી ભાષામાંથી લીધેલા આ શબ્દ ફેંગલનો અર્થ છે સાંસ્કૃતિક ઓળખ અને ભાષાકીય પરંપરાનું મિશ્રણ. ફેંગલ શબ્દ કલ્ચરમાં વિવિધતા દર્શાવે છે. ફેંગલ શબ્દ સાઉદીઓએ તેમના વારસા અને ભાષાને પ્રતિબિંબિત કરવા માટે આપ્યો હતો. એ જ રીતે અન્ય દેશો પણ ચક્રવાત માટે નામો પ્રસ્તાવિત કરે છે. જો કે નામ આપતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે તેમાં કોઇ પણ પ્રકારનો વિવાદ ન થાય અને ક્ષેત્રીય વિવિધતાને દર્શાવે. જેનાથી કોઇનું અપમાન ન થાય.
કેવી રીતે રાખવામાં આવે છે ચક્રવાતના નામ
- ચક્રવાતને નામ આપવાની પોતાની રીત પણ છે.1953 થી વર્લ્ડ મીટીરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએમઓ) ચક્રવાત અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતને નામ આપી રહ્યું છે, પરંતુ ઉત્તર હિંદ મહાસાગરમાં આવનારા કોઈ ચક્રવાતનું નામ પાડવામાં આવ્યુ નથી. આવુ એટલા માટે કારણ કે અહીં નામ રાખવુ વિવાદાસ્પદ થઇ શકે છે..સંગઠન નથી ઇચ્છતુ કે નામને કારણે કોઇની ભાવનાને ઠેસ પહોંચે.
- વર્ષ 2004માં ચક્રવાતને નામ આપનારી આંતરરાષ્ટ્રીય પેનલને વિસર્જિત કરી દેવામાં આવી હતી અને સંબંધિત દેશોને ચક્રવાતના નામ નક્કી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેની બેઠકમાં ભારતની સાથે પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન અને થાઈલેન્ડ નામના 8 દેશોએ ભાગ લીધો હતો. આ દેશોએ દરેક આઠ નામોની યાદી સબમિટ કરી છે એટલે કે આ તમામ 8 દેશો તરફથી 64 નામ સૂચવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પછી જૂન 2014માં ‘નાનુક’ ચક્રવાત આવ્યું. જેનું નામ મ્યાનમાર દ્વારા નામ આપવામાં આવ્યું.
- આ પછી વર્ષ 2018માં અન્ય પાંચ દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ઈરાન, કતાર, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને યમનનો સમાવેશ થાય છે. આમ 13 દેશોના નામની WMO એ પ્રસ્તાવિત નામોની યાદી બનાવી છે. આ યાદી દર 6 વર્ષે બદલાય છે. આ જ કારણ છે કે તોફાન આવતા પહેલા તેનું નામ નક્કી કરી લેવામાં આવે છે. થોડા સમય પહેલા, દાના તોફાન ઓડિશામાં ત્રાટક્યું હતું, જેનો અર્થ થાય છે ઉદારતા. આ અરબી ભાષામાંથી લેવામાં આવેલો શબ્દ હતો, જે કતાર દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો.
- ફેંગલ ચક્રવાતની ક્યાં દેખાશે અસર ?
હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે ફેંગલના કારણે 27 નવેમ્બરે તમિલનાડુ અને પુડુચેરીમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 28 અને 29 નવેમ્બરે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય 27 નવેમ્બરે આંધ્રપ્રદેશમાં તેની અસર જોવા મળશે અને વરસાદ પડશે. જ્યારે 27 અને 28 નવેમ્બરે કેરળમાં કેટલાક સ્થળોએ મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે.
Source link