ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં મંગળવારે રાત્રે એક મોટો બ્લાસ્ટ થવાની ઘટના બની છે. મથુરાની રિફાઈનરીમાં બ્લાસ્ટના કારણે ભીષણ આગ લાગી છે. આગમાં રિફાઈનરીમાં કામ કરતા 10 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી
જો કે ઘટનાની જાણ તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી છે. ગંભીર રીતે દાઝી ગયેલા કર્મચારીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેમને વધુ સારવાર માટે દિલ્હી રિફર કરવામાં આવ્યા છે.
ફર્નિશ ફાટવાને કારણે પ્લાન્ટમાં ભીષણ આગ લાગી
રાત્રે લગભગ 8 વાગ્યે રિફાઈનરીના એબીયુ પ્લાન્ટમાં શટડાઉન થયા બાદ સ્ટાર્ટઅપ એક્ટિવિટી ચાલી રહી હતી ત્યારે આ આગનો બનાવ બન્યો છે. આ દરમિયાન ફર્નિશ ફાટવાને કારણે પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે. આગના કારણે સ્થળ પર કામ કરી રહેલા 10 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે. ત્યારે ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે મથુરાના ઉચ્ચ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે.