રાજ્યનાં નાગરિકોને સલામત અને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ બન્યું છે તેમજ ભેળસેળયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ચડોતરમાં આવેલી ઉત્પાદક પેઢી મે. જલારામ એન્ટરપ્રાઇઝ ખાતે રેડ પાડવામાં આવી હતી.
ગાંધીનગરથી કરવામાં આવી રેડ
આ રેડ દરમિયાન આશરે ૮૯ કિલોગ્રામ અમૂલ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી તથા ૫૩ કિલોગ્રામ જેટલો વેજીટેબલ ફેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરને મળેલી ખાનગી બાતમીના આધારે તા.૦૪ ડિસેમ્બર, ૨૦૨૪નાં રોજ ચડોતરની મે. જલારામ એન્ટરપ્રાઇઝ ખાતે એક રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન ફૂડ બીઝનેસ ઓપરેટર શ્રી પ્રકાશભાઇ અમૃતલાલ ગુર્જર ફૂડ લાયસન્સ વગર જ ઘીનાં ઉત્પાદન, સંગ્રહ તથા વેચાણ કરી રહ્યા હતા.
ઘી સીઝ કરવામાં આવ્યું
આ પેઢીનાં માલિક દ્વારા બીજી પેઢીના નામવાળા લેબલોનો વપરાશ થતો હતો તથા પેઢીમાં અમૂલ બ્રાન્ડનાં ડુપ્લીકેટ ઘીનું ઉત્પાદન તથા પેકીંગ થતું હતું. આ પેઢીના માલિક વિરૂધ્ધ અગાઉ પણ પાલનપુર ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી તથા એડ્જ્યુડીકેટીંગ કોર્ટમાં ૧ લાખ ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.વધુમાં કમિશનરે જણાવ્યું કે, આ પેઢીમાં પકડાયેલ અમૂલ પ્યોર ઘી ૧૫ કિલોગ્રામ પેક તથા ઇન્ટર એસ્ટરીફાઇડ વેજીટેબલ ફેટ (લૂઝ), આમ કુલ ૦૨ નમુનાઓ લઇને ૧૪૨ કિલોગ્રામ જથ્થો કે જેની અંદાજિત કિંમત કુલ રૂ. ૭૪,૬૪૦ જેટલી થાય છે,તેને સીઝ કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ કરી કાર્યવાહી
આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓના દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લિકેટ આહારનો ધંધો કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છે. આમ, તંત્ર દ્વારા ઇન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટના નામે ઘીની ફ્લેવર નાંખી જાહેર જનતાને ઘી તરીકે વેચાણ થતું અટકાવવામાં સફળતા મળી છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં જણાવ્યું છે.
Source link