રિયલ મેડ્રિડે મેક્સિકોની ટીમ પચુકાને 3-0થી હરાવીને ઇન્ટર કોન્ટિનેન્ટલ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું હતું. આ સાથે કોચ કાર્લો એન્સેલોટી ક્લબના ઇતિહાસમાં સર્વાધિક ટ્રોફી જીતનાર કોચ બની ગયા છે. રિયલ મેડ્રિડે એન્સેલોટીના કોચ રહેવાની સાથે પોતાનું 15મું ટાઇટલ પણ જીત્યું હતું.
એન્સેલોટીએ આ રીતે મિગુએલ મુનોઝના પાછળ રાખી દીધા હતા જેમણે 1960 અને 70ના દાયકાની વચ્ચે સ્પેનની આ ક્લબના કોચ રહીને 14 ટાઇટલ જીત્યા હતા. મેચ બાદ એન્સેલોટીએ જણાવ્યું હતું કે અમારી શરૂઆત નિરાશાજનક રહી હતી પરંતુ અમે તેનો અંત શાનદાર કર્યો છે. કિલિયન મબાપે, રોડ્રિગો તથા વિનિસિયિસ જૂનિયરે એક-એક ગોલ કર્યો હતો. રિયલ મેડ્રિડ ચાર ટાઇટલ સાથે ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ બની છે. આ પહેલાં રિયલ મેડ્રિડે 1960, 1998 તથા 2022માં આ ટૂર્નામેન્ટમાં વિજેતા બનવાની સિદ્ધિ મેળવી હતી. રિયલ મેડ્રિડે ઓગસ્ટમાં એટલાન્ટાને હરાવીને યુઇએફએ સુપર કપ ફૂટબોલ ટ્રોફી જીતી હતી. વર્તમાન સિઝનમાં આ તેનું બીજું ટાઇટલ છે. ક્લબ વર્લ્ડ કપ ફૂટબોલમાં પણ રિયલ મેડ્રિડ વિક્રમી પાંચ વખત ચેમ્પિયન બની ચૂકી છે.
Source link