સ્ટાર ખેલાડી મોહમ્મદ સાલેહે નોંધાવેલા શાનદાર ગોલની મદદથી ઇજિપ્તે મોરિટાનિયાને 2-0થી હરાવીને 2025ના આફ્રિકા કપ ઓફ નેશન્સ ક્વોલિફાયરમાં પોતાના વિજયનો રેકોર્ડ પરફેક્ટ રાખ્યો હતો. ટ્રેઝેગુએટે 69મી મિનિટે ગોલ નોંધાવ્યા બાદ મોહમ્મદ સાલેહે 79મી મિનિટે ગોલ કરીને
ઇજિપ્તને 2-0ની સ્કોરથી આગળ કરી દીધું હતું અને આ સ્કોર અંત સુધી જળવાઈ રહ્યો હતો. અન્ય એક મેચમાં કોમોરોસ સામે ટયૂનેશિયાનો 1-0થી અણધાર્યો પરાજય થયો હતો. આ મેચમાં કોમોરોસના ખેલાડીઓએ ગોલ કરવા માટે 15 પ્રયાસ કર્યા હતા પરંતુ રફિકી જ એક્સ્ટ્રા ટાઇમમાં ગોલ કરવામાં સફળ રહ્યો હતો. 2010 બાદ ટયૂનેશિયાનો નેશન્સ કપમાં પ્રથમ વખત હોમગ્રાઉન્ડમાં પરાજય થયો છે. જોકે તે ત્રણ મેચમાં છ પોઇન્ટ સાથે ગ્રૂપ-એમાં ટોચના ક્રમે જળવાઈ રહ્યું છે. પ્રત્યેક ગ્રૂપની ટોચની બે ટીમ મોરક્કો ખાતે રમાનારી 24 ટીમોની ફાઇનલ્સ માટે ક્વોલિફાય થશે.
અન્ય એક મેચમાં ફિસાયો ડેલે બાશિરુએ નોંધાવેલા ગોલની મદદથી નાઇજીરિયાએ લિબિયાને 1-0થી પરાજય આપ્યો હતો. આઇવરી કોસ્ટે સિએરા લિઓનેને 4-1થી તથા સેનેગલે માલાવીને 4-0ના માર્જિનથી હરાવ્યું હતું. આ મેચમાં સાદિયો માને અને નિકોલસ જેક્સને બે-બે ગોલ કર્યા હતા. કેમરુને કેન્યા સામે 4-1થી વિજય હાંસલ કર્યો હતો.
Source link