રિયલ મેડ્રિડના સ્ટાર વિનિસિયસ જુનિયરને ફિફા ધ બેસ્ટ પુરસ્કારમાં વર્ષના બેસ્ટ મેન્સ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે. બાર્સેલોનાની એતાના બોનમાતીએ વિમેન્સ કેટેગરીનો એવોર્ડ જીત્યો છે. ઓક્ટોબરમાં માન્ચેસ્ટર સિટીના રોડ્રીને 24 વર્ષીય વિનિસિયસને પાછળ રાખીને બેલોન ડીઑર એવોર્ડ જીત્યો હતો.
તેના વિરોધમાં વિનિસિયસ તથા મેડ્રિડ ટીમે પેરિસ ખાતેના એવોર્ડ સમારંભમાં ભાગ લીધો નહોતો. આ વખત રોડ્રી પાંચ પોઈન્ટથી વિનિસિયસની પાછળ રહ્યો હતો.સ્પેનની મિડફિલ્ડર બોનમાતીએ સતત બે વર્ષ બેલોન ડીઑર એવોર્ડ જીત્યા બાદ ફિફા ધ બેસ્ટનો એવોર્ડ જીત્યો છે. તેણે જણાવ્યું હતું કે આ એવોર્ડ ટીમના પ્રયાસોથી મળ્યો છે તેવું હું સતત કહેતી આવી છું. આ વર્ષ શાનદાર રહ્યું છે અને હું મારી ક્લબ, સાથી ખેલાડીઓ તથા તમામ સમર્થકોનો આભાર માનું છું. નોંધનીય છે કે બંને પુરસ્કાર માટે 11-11 ખેલાડીઓને નોમિનેટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્તમાન સુકાની, કોચ, સમર્થકો તથા મીડિયાના વોટ દ્વારા વિજેતાની પસંદગી કરવામાં આવી હતી. આ માટે 2023ની પહેલી ઓગસ્ટથી 2024ની 10મી ઓગસ્ટ સુધીના પ્રદર્શનને માન્ય રાખવામાં આવ્યું હતું.
છેલ્લી સિઝનમાં સર્વશ્રોષ્ઠ ગોલ માટે પુસ્કસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ જુવેન્ટ્સ તથા ઇટાલીના સ્ટ્રાઇકર એલેસાન્ડ્રો ડેલ પિએરો દ્વારા માન્ચેસ્ટર યૂનાઇટેડના એલેઝાન્ડ્રો ગાર્નાચોને તેની એવરટન સામેની શાનદાર બાઇસિકલ કિકના કારણે આપવામાં આવ્યો હતો. અમેરિકાની નંબર-1 ગોલકીપર એલિસા નેહેરેને તેના શાનદાર પ્રદર્શન માટે વિમેન્સ કેટેગરીની બેસ્ટ ગોલકીપરનો એવોર્ડ મલ્યો હતો. અમેરિકાની વર્તમાન કોચ એમ્મા હાસને બેસ્ટ વિમેન્સ કોચના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
બ્રાઝિલના વર્લ્ડ કપ વિજેતા બેબેટોએ થિયાગો માયાને ફેર પ્લે એવોર્ડથી સન્માનિત કર્યો હતો. થિયાગોએ પોતાની રમતમાં બેસ્ટ ખેલભાવનાનું પ્રદર્શન કર્યું હતું. આર્જેન્ટિનાના એમિલિયાનો માર્ટિનેઝે સતત બીજા વર્ષે બેસ્ટ મેન્સ ગોલકીપરનું ગૌરવ હાંસલ કર્યું હતું. રિયલ મેડ્રિડ ક્લબને સ્પેનિશ ફૂટબોલ લીગ તથા ચેમ્પિયન્સ લીગમાં ચેમ્પિયન બનાવવા બદલ કોચ કાર્લો એન્સેલોટીને બેસ્ટ મેન્સ કોચનો એવોર્ડ અપાયો હતો.
Source link