BUSINESS

Business: એસઆઇપીમાં આવતા રોકાણનો આંકડો સૌપ્રથમવાર રૂ. 25,000કરોડને પાર

મ્યુચ્યુઅલ ફંડોમાં મંથલિ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઇપી) દ્રારા આવતા રોકાણનો આંકડો ઓક્ટોબર મહિનામાં સૌપ્રથમ વાર રૂ. 25,000 કરોડની સપાટીને પાર ગયો છે.

ઓક્ટોબર મહિનામાં શેરબજારમાં મંદી જોવા મળી તેને પગલે રિટેલ ઇન્વેસ્ટર્સે નફાની આશાએ તેમનું રોકાણ વધારતા એસઆઇપીમાં આ વધારો જોવા મળ્યો છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઇ)એ જાહેર કરેલા આંકડા મુજબ ઓક્ટોબરમાં એસઆઇપી દ્રારા મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. 25,322 કરોડનું રોકાણ આવ્યું છે, જેનો આંકડો સપ્ટેમ્બરમાં રૂ. 24,509 કરોડ હતો. આવી જ રીતે એસઆઇપી એકાઉન્ટની સંખ્યા પણ ઓક્ટોબરમાં વધીને 10.12 કરોડની વિક્રમજનક સપાટીએ પહોંચી છે જે સપ્ટેમ્બરના અંતે 9.87 કરોડ હતી. ઓક્ટોબર, 2023માં એસઆઇપી અંતર્ગત થયેલા રોકાણનો આંકડો રૂ. 16,928 કરોડ હતો.

ઓક્ટોબરમાં એસઆઇપી એકાઉન્ટમાં 24.19 લાખનો નેટ વધારો થયો છે, જ્યારે આ મહિનામાં નવા રજિસ્ટર્ડ થયેલા એસઆઇપી એકાઉન્ટની સંખ્યા 63.69 લાખ છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં સેન્સેક્સમાં 5.77 ટકાનો અને નિફ્ટીમાં 6.22 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આવી મંદી છવાઇ છતાં રિટેલ ઇન્વેસ્ટર્સ હજી પણ ભારતીય શેરબજારની વળતર આપવાની ક્ષમતા પર વિશ્વાસ રાખે છે એવો સંકેત આપતા એસઆઇપીના ખાતાની સંખ્યા અને માસિક રોકાણના પ્રવાહમાં આ વધારો નોંધાયો છે. એપ્રિલ, 2016માં એસઆઇપીમાં આવતા માસિક રોકાણનો આંકડો રૂ. 3,122 કરોડ હતો, જે માર્ચ, 2020માં વધીને રૂ. 8,500 કરોડના સ્તરે ગયો હતો. કોવિડની મહામારી પછી એસઆઇપીના રોકાણમાં સતત વધારો થયો છે અને સપ્ટેમ્બર, 2021માં એસઆઇપીનો રોકાણ પ્રવાહ રૂ. 10,000 કરોડના સ્તરે પહોંચ્યો હતો. એપ્રિલ, 2024માં આ આંકડો રૂ. 20,000 કરોડના સ્તરને પાર કરી ગયો હતો. 2016 પછી આ રોકાણમાં સતત વધારો નોંધાયો છે.

રોકાણ વધ્યું છતાં ઓક્ટોબરમાં SIPની AUM ઘટી

એસઆઇપી હેઠળની એસેટ અન્ડર મેનેજમેન્ટ સપ્ટેમ્બર મહિનામાં રૂ. 13.81 લાખ કરોડના વિક્રમજનક સ્તરે પહોંચી હતી, જેનો આંકડો ઓગસ્ટમાં રૂ. 13.39 લાખ કરોડ હતો. જોકે ઓક્ટોબરમાં બજારમાં મંદીનો માહોલ જોવા મળતાં ઓક્ટોબરમાં આ એયુએમનો આંકડો ઘટીને રૂ. 13.30 લાખ કરોડ થયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button