આણંદમાં આવેલી અમુલ ડેરી ફરી એક વખત ચર્ચામાં આવી છે. અમુલ ડેરીના ચેરમેન અને અમુલ નિયામક મંડળ ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. લીંબાસી દૂધ મંડળીના ચેરમેન અને માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
ભરતીમાં ડિરેક્ટરો દ્વારા વહીવટ કર્યાના આક્ષેપો
પૂર્વ ધારાસભ્ય અને લીંબાસી મંડળીના ચેરમેન કેસરીસિંહ સોલંકીએ આ મુદ્દે ફેસબુક લાઈવ કર્યું. જેમાં કેસરીસિંહ સોલંકીએ અમુલ ઉપર બળાપો ઠાલવ્યો છે અને સોશિયલ મીડિયા મારફતે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ ગંભીર આક્ષેપો કર્યા છે. નોકરીની ભરતીમાં ડિરેક્ટરો દ્વારા વહીવટ કર્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સાથે જ દાણ માટે ફાળવવામાં આવેલા કુશકીના કોન્ટ્રાક્ટમાં પણ મોટી ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે.
10 મુદ્દાની લેખિતમાં માગણી ચેરમેને ન સ્વીકારી
વધુમાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું કે 27 સપ્ટેમ્બરના રોજ ત્રણ જિલ્લાના દૂધ મંડળીઓના 1,200 ચેરમેન સાથે આતંકવાદી જેવું વર્તન કરવામાં આવ્યું હતું. ચેરમેનોનું ચેકીંગ કરીને પોલીસ બોલાવી બેહૂદુ વર્તન કરવામાં આવ્યું હતું. કેટલીક વખત કહ્યા બાદ પણ સામાન્ય સભામાં બોર્ડમાં કરવાના ત્રણ ઠરાવો કર્યા જ નથી અને જે ઠરાવો કર્યા હોય તો તે ઠરાવો આપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી છે. 10 મુદ્દાની લેખિતમાં માગણી કરવામાં આવી હતી, તે ચેરમેને સ્વીકારી નહીં.
જૂની પદ્ધતિ મુજબ ચૂંટણી કરવા કેસરીસિંહની માગણી
આ સાથે જ મંડળીઓ દ્વારા માગવામાં આવતી માહિતી પણ ના આપવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કેસરીસિંહ સોલંકીએ વધુમાં કહ્યું કે અમુલ ડેરીમાં સાધારણ સભા બોલાવવામાં આવતી નથી. મેં અમુલ ડેરીના કેટલા પ્લાન્ટ આવેલા છે? તેની માહિતી માગી અને અમુલમાં કોની અને કેવી રીતે ભરતી કરવામાં આવી? કેટલા કર્મચારીઓ કામ કરે છે ? તેની પણ માહિતી માગી હતી પણ કંઈ જાણકારી આપવામાં આવી નથી. આ સાથે જ જૂની પદ્ધતિ મુજબ ચૂંટણી કરવા કેસરીસિંહે માગણી કરી છે.
Source link