ગઢડા(સ્વામીના) તાલુકાના ઉગામેડી ગામે એક ખેડૂતે એગ્રો સેન્ટરની દુકાને થી 25 થેલી એરંડીના ખોળ ખાતરની ખરીદી કર્યા બાદ ખાતરની થેલીમાથી રેતી જેવો પદાર્થ નીકળતા ખેતીવાડી અધિકારી સહિતને જાણ ફરીયાદ કરતા તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેતીવાડી અધિકારીએ દુકાનદારનુ લાઈસન્સ એક મહિના માટે સ્થગિત કર્યું
આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા તાલુકાના ઉગામેડી ગામે રહેતા ખેડૂત શૈલેષભાઈ મોરડીયાએ ઉગામેડી ગામમાં આવેલી સરદાર એગ્રો નામની દુકાનેથી 25 થેલી એરંડી ખોળ ખાતરની ટી.જે કંપનીના માર્કાવાળી ખરીદી હતી. આ ખાતર ખરીદ કર્યા બાદ પોતાના ખેતરમાં પાકમા 23 થેલી ખાતર નાખી અને બે થેલી ખાતર ડ્રીપ મારફતે નાખવા માટે પાણીમાં ઓગાળવા રાખ્યું હતું. આ પ્રક્રીયા દરમિયાન બધુ ખાતર પાણીમાં નહી ઓગળતા ખાતરની સાથે મોટા પ્રમાણમાં રેતી જેવો પદાર્થ હોવાનુ જણાયુ હતુ. જેમા 50 કિલોની થેલીમાં અંદાજે 20 કિલો જેટલો રેતી જેવો પદાર્થ હોવાનુ સામે આવ્યું હતું. જેના પગલે ખેડૂતે એગ્રોના સંચાલક જાણ કરતા સંચાલકે સેમ્પલ લઈને જૂનાગઢ ખાતે કંપનીમાં મોકલી આપ્યુ હતુ. બીજી તરફ ખેડુતો સાથે છેતરપિંડી અને ઉઘાડી લૂંટ થવાની આશંકા વ્યક્ત કરી ખેડૂતે ખેતીવાડી અધિકારી સમક્ષ ફરીયાદ કરી હતી. આ ફરીયાદના પગલે બોટાદ ખેતીવાડી વિભાગના અધિકારીની ટીમે ઉગામેડી ગામે સરદાર એગ્રો સેન્ટરે પહોચી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ખાતરના નમૂના લઈને ફોરેન્સીક લેબોરેટરીમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી. તેમજ રૂપિયા એક લાખ ચાર હજારની કિંમતના ખાતરની 128 થેલીનો જથ્થો સ્ટોપ સેલ કરી એગ્રો સેન્ટરનુ લાઈસન્સ એક મહિના માટે સ્થગિત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું બોટાદના મદદનીશ નિયામક ખેતીવાડીએ જણાવ્યું હતું.
દુકાન સંચાલકે સીટી કંપોઝ ખાતર પધરાવી દીધુ
બીજી તરફ ચકાસણી દરમિયાન ખેડૂતે ખરીદ કરેલ એરંડી ખોળ ખાતરના બદલે દુકાન સંચાલકે સીટી કંપોઝ ખાતર પધરાવી દીધુ હોવાનુ અને જે ખાતર આપ્યુ તે પ્રમાણે જ બીલ આપી રકમ વસુલ કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારે ખરેખર વર્ષો જૂની કંપની દ્વારા વેચાણ કરવામાં આવતા ખાતર વિગેરેમાં ગોલમાલ થતી આવી છે કે કેમ અને એરંડી ખોળ ખાતરના બદલે સીટી કંપોઝમાં મળી આવેલો રેતી જેવો પદાર્થ ખરેખર સીટી કંપોઝનો જ ભાગ છે કે રેતી? વિગેરે બાબતો લેબોરેટરી રિપોર્ટ કાર્યવાહી બાદ જાણવા મળશે તેમ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) બી.આર. બલદાણીયાએ જણાવ્યુ હતુ. બીજી તરફ સમગ્ર જિલ્લામાં ખેતી વિષયક જરૂરી સામગ્રીના વેચાણમાં ખેડૂતો સાથે છેતરપિંડી અને લૂંટ થતી હોય તેવી બાબતે ગંભીરતાપૂર્વક ચકાસણી કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ખેડુતો તરફથી માગ કરવામાં આવી છે.
Source link