હિંમતનગર તાલુકાના ગાંભોઈ ખાતે સાબરકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત પશુ સારવાર દવાખાનાનું મકાન જર્જરિત અને જોખમી બનતા આ પશુ દવાખાના માટે નવીન મકાનની સુવિધા આપવા સ્થાનિક ગ્રામજનોમાં માંગ ઊભી થઈ છે.
આ અંગે પશુપાલક જનતાના જણાવ્યા મુજબ, ગાંભોઈ ગ્રામ્ય વિસ્તારના 8 પેટા પશુ સારવાર કેન્દ્ર દવાખાનાનું સંચાલન કરતા આ ગાંભોઈ ખાતેનું પશુ દવાખાનું સ્થાનિક બસ સ્ટેશન માર્ગ પર ગીચ ટ્રાફ્કિ ધરાવતા વિસ્તારમાં જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના જર્જરિત ખંડેર જેવા વર્ષો જૂના મકાનમાં કાર્યરત છે. આ ગાંભોઈ પશુ સારવાર કેન્દ્રમાં એક પશુચિકિત્સક અધિકારી ઓફ્સિરની જગ્યા ધરાવે છે. જેનો ચાર્જ હાલ જિલ્લાના મુખ્ય પશુ સારવાર કેન્દ્ર હિંમતનગર દ્વારા થઈ રહ્યો છે. ગાંભોઈ સહિત આસપાસના રૂપાલ, હાથરોલ, હિંમતપુર, રાયગઢ, બામણા, સુરજપુરા અને નિકોડા વગેરે ગ્રામ્ય પેટા પશુ સારવાર કેન્દ્ર દવાખાનાનો વહીવટ અને પશુ આરોગ્યલક્ષી કામગીરી આ મુખ્ય કેન્દ્રથી સંચાલન કરવાની હોય છે. આ ગાંભોઈ કેન્દ્ર દ્વારા રસીકરણ યોજના, પશુ રોગચાળા દરમિયાન રોગ નિદાન તથા નિયંત્રણ, કૃત્રિમ બીજદાન, ખસીકરણ, પશુઓના મરણોત્તર તપાસ, પીએમ અને તંદુરસ્ત પ્રમાણપત્ર સહિત પશુપાલનની વિવિધ યોજનાનું અમલીકરણ કરવાનું હોય છે ત્યારે ગાંભોઈ પશુ દવાખાનાના જર્જરીત મકાન સામે નવીન મકાનની સુવિધા માટે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય સ્થળ અને જગ્યાની વ્યવસ્થા કરી સરકારી સહાય દ્વારા અન્યત્ર નવીન સ્થળે પશુ દવાખાનાની સુવિધા ઉભી કરવામાં આવે એમ પશુપાલક વર્ગ ઈચ્છી રહ્યો છે.
Source link