- રોગચાળો ન ફેલાય અને સફાઈના કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ
- અનરાધાર વરસાદ કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ બની
- જેતે વિસ્તારમાં જરૂરી તમામ મદદ ઝડપથી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની સૂચના
હાલમાં ગાંધીનગર-અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિ બની છે. આ અંગે ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ નજર રાખી છે અને વરસાદ બાદની તેમના લોકસભા ક્ષેત્રની પરિસ્થિતિની સમીક્ષા કરી વ્યવસ્થાતંત્રને જરૂરી સૂચનાઓ અને આદેશ આપ્યા છે.
અમદાવાદ-ગાંધીનગર ક્ષેત્રના વિવિધ ભાગોમાં છેલ્લા થોડાં દિવસથી પડેલા વરસાદના કારણે થયેલી સ્થિતિ પર અમિત શાહે ચાંપતી નજર રાખી તંત્રને જરૂરી સૂચનાઓ આપી છે. જેના માટે શાહે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કલેક્ટર-મ્યુનિ. કમિશ્નર સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંપ્રત સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. આ સાથે જ વરસાદી પાણીના ઝડપથી નિકાલ થાય અને ગટરો સહિત રોડ રસ્તાઓના સફાઈ કામ ઝડપથી પૂર્ણ કરી જનજીવન સામાન્ય બને તે અંગે અધિકારીઓને સૂચના અપાઈ છે. આ સાથે જ પાણી ભરાયેલા વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ ઉપરાંત ફોગિંગ અને જરૂરી દવાઓના છંટકાવ ઝડપથી શરૂ કરવા માટેના આદેશ અધિકારીઓને આપ્યા હતા. આ સાથે જ જેતે વિસ્તારમાં જરૂરી તમામ મદદ ઝડપથી મળી રહે તેવી વ્યવસ્થા કરવાની સૂચના અપાઈ છે.
Source link