- જુનિયર ડૉક્ટરોએ સ્ટાઈપેન્ડ વધારવા માંગણી કરી હતી
- આંદોલનકારી તબીબોની બેઠક મોડી સાંજે યોજાઈ હતી
- સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રીને આપી છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસથી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિતને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રીને આપી છે.
1 લાખથી વધુની રકમનું સ્ટાઈપેન્ડ ડૉક્ટરોને આપવામાં આવે છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કેમ્પસમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યા હતા. સ્ટાઈપેન્ડ મામલે ડૉક્ટરોએ હડતાળ શરૂ કરી હતી. જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઈપેન્ડ વધારવાનું તથા સ્ટાઈપેન્ડ દર 3 વર્ષે વધારવાનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. 1 લાખથી વધુની રકમનું સ્ટાઈપેન્ડ લાંબા સમયથી રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે. તેમાં પણ સરકારે 20 ટકાનો વધારો કરીને 1.30 લાખ સુધીનું કર્યું છે. દેશમાં અન્ય રાજ્યોમાં આપતા સ્ટાઈપેન્ડની સામે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોને અપાતું સ્ટાઈપેન્ડ વધુ છે. વધુમાં અન્ય રાજ્યોમાં ત્રણ વર્ષના બોન્ડ જેની સામે ગુજરાતમાં એક જ વર્ષનો બોન્ડ છે. આ ઇન્ટર્ન અને રેસિડેન્ટ ડોક્ટરોને ભણાવતા કરાર આધારિત પ્રોફેસરો કરતાં વધુ રકમ સ્ટાઇપેન્ડરૂપે આ રેસિડેન્ટ ડોક્ટરોને અપાય છે.
સ્ટાઈપેન્ડ વધારવામાં પણ 50 ટકાનો કાપ મૂક્યો
બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે, સતત છેલ્લા છ મહિનાથી સ્ટાઈપેન્ડ વધારા બાબતે આરોગ્યમંત્રી તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સમક્ષ કાયદાકીય રીતે રજૂઆત કરી હતી. આ રજૂઆતો મુજબ દર ત્રણ વર્ષે જુનિયર ડોક્ટરોના સ્ટાઈપેન્ડમાં 40% વધારો થતો હોય છે. જેનો આખરી વધારો 1 એપ્રિલ, 2021માં થયો હતો. જેના ત્રણ વર્ષ 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થયાં હતા. અમારી માગ સરકારના પરિપત્ર મુજબ 1 એપ્રિલ, 2024થી અમારા સ્ટાઈપેન્ડમાં 40%ના વધારા માટે હતી. પરંતુ સ્ટાઈપેન્ડ વધારવામાં પણ 50 ટકાનો કાપ મૂક્યો છે. જેથી અમે હડતાળ કરી રહ્યા છે.
Source link