GUJARAT

Gandhinagar: ગુજરાતમાં ‘ગ્રિટ’ની રચના, રાજ્યને વિકસિત બનાવવા થશે કામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને 2047 સુધી વિકસિત બનાવવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાત પણ ભારતની વિકાસગાથામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. હવે આ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય ગુજરાતમાં કર્યો છે.

નીતિ આયોગની પેટર્ન પર ‘ગ્રિટ’-ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની રચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષપદે કરવામાં આવી છે. વિકસિત ભારત @ 2047 માટે વિકસિત ગુજરાતના ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@2047નો ડાયનેમિક વિઝન ડોક્યુમેન્ટ- રોડમેપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તૈયાર કરેલો છે. આ વિઝન ડોક્યુમેન્ટમાં દર્શાવાયેલા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યો ધ્યાને લઈને વ્યુહાત્મક યોજનાઓની રચના માટે ‘ગ્રિટ’ થિંક-ટેન્ક તરીકે માર્ગદર્શન અને નેતૃત્વ પૂરું પાડશે.

‘ગ્રિટ’ની ગવર્નિંગ બોડીના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી રહેશે. તેમ જ ઉપાધ્યક્ષ તરીકે નાણાંમંત્રી અને સભ્યો તરીકે કૃષિ, આરોગ્ય, શિક્ષણ તેમ જ ઉદ્યોગ વિભાગના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગવર્નિંગ બોડીના અન્ય સભ્યોમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર, મુખ્યસચિવ નાણાં અને આયોજન વિભાગના અધિક મુખ્ય સચિવ કે અગ્ર સચિવ તેમજ કૃષિ, નાણાં અને આર્થિક બાબતો, ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓ અને આરોગ્ય તથા પોષણ, કૌશલ્યવર્ધન અને રોજગાર તથા શિક્ષણ, વગેરે ક્ષેત્રોના રાજ્ય સરકાર દ્વારા નોમીનેટ કરવામાં આવે તેવા તજજ્ઞો રહેશે.

‘ગ્રિટ’ની આ ગવર્નિંગ બોડીના સભ્ય સચિવ તરીકે નિવૃત્ત કે સેવારત અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર રહેશે. આ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસરની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન-‘ગ્રિટ’ના કાર્યક્ષેત્રમાં જે બાબતો, વિષયોને આવરી લેવામાં આવ્યા છે, તેમાં,

  • પાંચ ટ્રિલિયન યુ.એસ. ડોલરની ઈકોનોમી બનવા માટે ટાસ્ક ફોર્સ કમિટીએ કરેલી ભલામણોના અમલીકરણની સમીક્ષા
  • ઉદ્યોગ, કૃષિ, રોકાણ, નિકાસ, વગેરે ક્ષેત્રોના વિકાસથી રાજ્યના સંતુલિત આર્થિક વિકાસની વૃદ્ધિ પર દેખરેખ રાખીને ભલામણો કરવી.
  • રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા, મૂલ્યાંકન, સુપરવિઝન અને વિકસિત ગુજરાત એટ 2047 ડોક્યુમેન્ટના લાંબા ગાળાના વિઝનને અનુરૂપ આવશ્યક ભલામણો કરવા સાથે સુધારણાનાં ક્ષેત્રોને પ્રાથમિકતા આપવી.
  • રાજ્યના વિઝન ડોક્યુમેન્ટની પ્રાથમિકતાઓને સુસંગત નીતિ ઘડતર અને નિર્ણયો માટે ગુડ ગવર્નન્સ – સુશાસનને પ્રોત્સાહન આપવું.
  • લાંબા ગાળાના સર્વગ્રાહી વિકાસ માટે થ્રસ્ટ એરિયાની ભલામણો કરવી.
  • રાજ્ય સરકારના વિભાગો, ભારત સરકાર, નીતિ આયોગ, તથા નાગરિક સમાજ અને અન્ય સ્ટેકહોલ્ડર્સ વચ્ચે સંકલનને પ્રોત્સાહિત કરીને વિકાસ માટે નવા પગલાંઓ સૂચવવાં.
  • રાજ્યના બહુઆયામી વિકાસ માટે ભલામણો કરવી તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ નીતિઓ અને શ્રેષ્ઠ પ્રથાઓની સમીક્ષા કરવી.
  • ક્રોસ સેક્ટરલ પાર્ટનરશીપ, ડોમિન નોલેજ સપોર્ટ અને કેપિસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ્સ માટે અગ્રણી સંસ્થાઓનો સહયોગ લેવો.
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઈન્ટરનેટ ઓફ થિન્ગ્સ, રોબિટિક્સ, જી.આઈ.એસ., ડ્રોન ટેક્નોલોજી, બ્લોકચેઈન, જેવા ઈનોવેટિવ પ્રોગ્રામ્સ અને ટેક્નોલોજીને પ્રોત્સાહિત કરવા.

રાજ્ય સરકારને એસેટ્સ મોનિટાઈઝેશન, ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન, સી.એસ.આર. ટ્રસ્ટ ફંડ્સ અને અન્ય સ્રોતો દ્વારા રાજ્યના વિકાસ માટેનાં નાણાકીય સંસાધનો એકત્રિત કરવા મેકેનિઝમ ઊભું કરવાની ભલામણો કરવી.

‘ગ્રિટ’ના આ કાર્યક્ષેત્રના અસરકારક અમલીકરણ માટે ગવર્નિંગ બોડી તથા રોજબરોજના કામકાજ માટે એક્ઝિક્યુટીવ કમીટીની રચના કરવામાં આવશે. ગવર્નિંગ બોડીનાં સૂચનો અને ‘ગ્રિટ’ના નિર્ણયોના અમલીકરણ તેમ જ રોજબરોજના કામકાજ માટે 10 સભ્યોની એક્ઝિક્યુટિવ કમિટી કાર્યરત રહેશે. આ કમિટીના ચેરમેન તરીકે ‘ગ્રિટ’ના સી.ઈ.ઓ. અને કન્વિનર તરીકે સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગના સચિવ રહેશે.

‘ગ્રિટ’ની ગવર્નિંગ બોડીની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી એકવાર અને ગવર્નિંગ બોડીના ચેરમેનને જ્યારે પણ જરૂરિયાત જણાય ત્યારે યોજવાની રહેશે. એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક વર્ષમાં દર ત્રણ મહિને એકવાર યોજવાની રહેશે. ‘ગ્રિટ’ની રચના અને તેના કાર્યક્ષેત્ર અંગેના વિધિવત ઠરાવ સામાન્ય વહીવટ વિભાગ-આયોજન પ્રભાગ દ્વારા જારી કરવામાં આવશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button