- જાડેજાની જામીન માટે તા. 22ના રોજ કરાશે સુનાવણી
- આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી રાખવામાં આવી હતી
- પક્ષકારોના વકીલોની દલીલો પૂર્ણ થતાં સુનાવણી ટળી
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. ગણેશ જાડેજાની જામીન અરજી સુનાવણી ફરી ટળી છે. તા. 22 ઓગસ્ટના રોજ આગામી સુનાવણી કરવામાં આવશે. આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હતી. બંને પક્ષના વકીલોએ દલીલો કરી હતી. દલીલો પૂર્ણ થતા સુનાવણી ટળી હતી.
ગોંડલ તાલુકાના દેવળા ખાતે લેઉઆ પટેલ સમાજ ખાતમુહૂર્ત સમયે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાને લઈને મોટો દાવો કર્યો હતો. તેમણે નિવેદન કર્યું હતું કે, ગણેશભાઈની તૈયારી છે અને આપણી વચ્ચે ટૂંક સમયમાં આવે છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
ગણેશ જાડેજા મુદ્દે અલ્પેશ ઢોલરીયાનું નિવેદન
અલ્પેશ ઢોલરિયાએ આ મુદ્દે કહ્યું હતું કે, ધારાસભ્ય પણ આપણી પાસે કાંઇ ઘટે નહી એવા છે ખાલી આપણે ધારાસભ્ય પાસે પહોંચવાની જ વાત હોય. હવે ગણેશભાઈ પણ આપણી વચ્ચે કામ કરે છે, ગણેશભાઈની પણ હવે ટૂંક સમયમાં તૈયારી છે, એકાદ દિવસમાં આપણી વચ્ચે આવી રહ્યા છે. તો આપણે તેમના આગમનનો કાર્યક્રમ સરસ મજાનો ગોઠવીશું. શ્રાવણ માસના પવિત્ર સમયે ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આપણા તાલુકામાં આપણા ગામમાં બીજુ કાંઈ આવે કે ના આવે જ્ઞાતિ જાતિના વાળા ન આવે અને આપણે બધા એક થઈને રહી શકીએ. આપણા તાલુકામાં એકતા વધે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના છે.
દલિત યુવાન સંજય સોલંકીના અપહરણનો કેસ છે
ગોંડલનાં ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે એક દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી અને તેમને નગ્ન કરીને ઢોર માર મારવાની અને તેનો વીડિયો ઉતારવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે આ મામલાના આરોપી ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી. ત્યારથી ગણેશ જાડેજા જેલની અંદર બંધ છે. બીજી તરફ ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી પણ ગુજસીટોકના કેસમાં જેલમાં બંધ છે. તેમના વિરૂદ્ધ GUJCTOKનો ગુનો દાખલ થયેલો છે. તે વચ્ચે અલ્પેશભાઈએ ગત તારીખ 14/8/2024ના રોજ આપેલું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો.
Source link