GUJARAT

Ahmedabad: સિવિલ હોસ્પિટલમાંથી રીક્ષાની ચોરી કરતી ગેંગ ઝડપાઈ, કર્યો આ મોટો ખુલાસો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રીક્ષા ચોરીઓ થવાની ઘટનાઓ સતત વધી રહી છે, જેમાં પણ છેલ્લા પાંચ દિવસમાં પાંચ રીક્ષાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા શાહીબાગ પોલીસે આ રીક્ષા ચોરને પકડવા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની ટીમે રીક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી

સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલના ગેટ નંબર 8 પાસેથી 1 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી અલગ અલગ ચાર રિક્ષાઓ તેમજ ચમનપુરા બ્રિજ પાસેથી એક રીક્ષા ચોરી થઈ હોવાની ફરિયાદ સામે આવી હતી. ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ સીસીટીવી તેમજ અન્ય માહિતીઓના આધારે શાહીબાગ પોલીસની ટીમ દ્વારા રીક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી છે. આરોપી દિલીપ ઉર્ફે દિલો પટણી તેમજ મિતેશ ઉર્ફે બુચિયો પટણીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી પાંચ રીક્ષાઓ રિકવર કરી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દિલીપ ઉર્ફે દિલો અગાઉ પણ ચોરીના પાંચ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. આ ઉપરાંત શાહીબાગ પોલીસે પાંચ રીક્ષા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલી પાંચ રીક્ષાઓ રિકવર કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ રીક્ષાની જૂની ચાવી દ્વારા અલગ અલગ રીક્ષાઓમાં ચાવી ભરાવી ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હતા અને જે રીક્ષા ચાવીથી ચાલુ થઈ જાય તેને ચોરી કરી અવાવરૂ જગ્યા પર રાખી દેતા હતા.

મોજશોખ પુરા કરવા માટે કરતા રીક્ષાની ચોરી

તેમજ સમયાંતરે ચોરી કરેલી રિક્ષાના પાર્ટ્સ અલગ અલગ જગ્યાઓ પર વેચી પૈસા મેળવતા હતા. જોકે રીક્ષા ચોરીના પાર્ટ્સ વેચી કમાયેલા પૈસા મોજશોખમાં વાપરતા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે રિક્ષા ચોર ગેંગના બે સભ્યોની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અને આ ચોરીની ગેંગમાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલું છે કે કેમ તેમજ આ ચોર ગેંગ દ્વારા શહેરમાંથી અન્ય કેટલી રીક્ષાઓ ચોરી કરી છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button