BUSINESS

Gautam Adani: એક જ દિવસમાં ઘટી 20% નેટવર્થ! અમીરોની લિસ્ટમાં પાછળ ધકેલાયા

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકાએ લગાવેલા આરોપો બાદ અદાણી ગ્રુપને સતત નુકસાન થઇ રહ્યું છે. ત્યારે હવે તેમની નેટવર્થમાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં લગભગ 28%નો ઘટાડો થયો છે. ગુરુવાર બાદ શુક્રવારે પણ શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો જેની સીધી અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી છે.

ગૌતમ અદાણીની નેટવર્થ ઘટી !

ફોર્બ્સની રિયલટાઇમ બિલિયનેયર્સ લિસ્ટ અનુસાર ગૌતમ અદાણીની નેટવર્થમાં અમેરિકામાં લાગેલા આરોપ બાદ 21.21 ટકાનો ઘટાડો આવ્યો છે. ફોર્બ્સની રીયલટાઇમ બિલિયોનેર્સ લિસ્ટના ડેટા અનુસાર શુક્રવારે સવારે 10:50 વાગ્યા સુધીમાં, નેટવર્થમાં $14.8 બિલિયન (રૂ. 1,25,045 કરોડ)નો ઘટાડો થયો હતો. જેના કારણે ગૌતમ અદાણીની નેટવર્થ હવે માત્ર 55 બિલિયન ડોલર રહી છે. નેટવર્થમાં થયેલા આ ઘટાડાને કારણે ગૌતમ અદાણી વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં ઘણા નીચે આવી ગયા છે. આ યાદીમાં તે 27મા સ્થાને આવી ગયા છે જે અગાઉ 18મા સ્થાને હતા.

મુકેશ અંબાણી આવ્યા લિસ્ટમાં આગળ

મહત્વનું છે કે ગૌતમ અદાણી અગાઉ ભારતના સૌથી ધનિક વ્યક્તિ હતા. પરંતુ હવે આ સ્થિતિ સર્જાતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટોપ પર આવ્યા છે. મુકેશ અંબાણી હાલમાં $97.6 બિલિયનની નેટવર્થ સાથે વિશ્વના 18મા સૌથી ધનિક વ્યક્તિ છે.

ગૌતમ અદાણી પર શું છે આરોપ?

ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર યુએસ પ્રોસિક્યુટર્સ દ્વારા ભારતમાં સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે અનુકૂળ શરતોના બદલામાં ભારતીય અધિકારીઓને $250 મિલિયન લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. યુએસ પ્રોસિક્યુટર્સે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય પર 2020 અને 2024 ની વચ્ચે સોલાર પાવર કોન્ટ્રાક્ટ જીતવા માટે ભારતીય સરકારી અધિકારીઓને $250 મિલિયનથી વધુ લાંચ આપવાનો આરોપ મૂક્યો હતો. એક અંદાજ મુજબ, આનાથી જૂથને બે અબજ ડોલરથી વધુનો નફો થવાની સંભાવના છે. જોકે, અદાણી ગ્રુપે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button