આ વર્ષે રૂપ ચતુર્દશી એટલે કે કાળી ચૌદશ 30 ઓક્ટોબર બુધવારે બપોરે 1:16થી શરૂ થશે અને 31 ઓક્ટોબર ગુરુવારે બપોરે 3:53 સુધી રહેશે. કાળી ચૌદશ પર ઉગ્ર દેવ-દેવીની પૂજા સાથે સાથે આપણા સ્વયં પર પણ કામ કરવું જોઈએ અને નૂતન વર્ષ પહેલાં જ નાની દિવાળી કહેવાતા આ તહેવાર પર આપણામાં રહેલ બદલો લેવાની ભાવના, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર આ ષડ રિપુ પર મંથન કરવું જોઈએ અને ગત વર્ષમાં થયેલ ભૂલો બદલ પશ્ચાત્તાપ પણ કરવો જોઈએ, જે માટેની વિધિ સહજ અને સરળ છે અને શાસ્ત્રમાં નિહિત છે. વળી, યમ ચતુર્દશી પર યમ, નિયમ વગેરે અષ્ટાંગ યોગનો પણ વિચાર કરવો જોઈએ. રાશિ મુજબ યમ ચતુર્દશી, કાળી ચૌદશમાં શું પૂજા કરવી જોઈએ તે અત્રે જોઈએ :
મેષ (અ, લ, ઈ) : મેષ રાશિમાં અગ્નિની વિશેષ ઊર્જા જોવા મળે છે એટલે તે નવી શરૂઆત કરનારી રાશિ છે તથા સાહસ કરીને પણ આવેશમાં આવીને કાર્ય કરનારી છે, જેથી આ રાશિના જાતકોએ પૂજા સાથે સાથે જાત સાથે સંવાદ પણ કરવો જોઈએ. ત્યારબાદ તેલનો દીવો કરી રાત્રે હનુમાનજી મહારાજની આરાધના કરવી જોઈએ અને 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
વૃષભ (બ, વ, ઉ) : આ રાશિ બધી વસ્તુઓ પ્રચુર માત્રામાં ઉપયોગમાં લેવા માંગે છે અને સંચય કરે છે. નૂતન વર્ષમાં સંચયની સાથે સાથે દાનનો વિચાર અને સંકલ્પ કરી કપૂરનો દીવો કરી રાત્રે ૐ ઐમ હ્રીમ ક્લીં જેમાં ત્રણે મહાદેવી નિહિત છે તે મંત્રની 11 માળા કરવી જોઈએ.
મિથુન (ક, છ, ઘ) : વ્યાપારિક રાશિ મિથુન ગિવ એન્ડ ટેકમાં માને છે, પણ પરોપકાર અને લાગણીમય જીવન તરફ લક્ષ્ય રાખી આગળ વધવાથી વધુ સફળતા મળે છે. માટે આવા સંકલ્પ સાથે તેલનો દીવો કરી રાત્રે હનુમાનજી મહારાજ અને ભૈરવની પૂજા કરી સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
કર્ક (ડ, હ) : કર્ક રાશિ જીવનમાં અનેક વખત લાગણીમાં હર્ટ થતી જોવા મળે છે. જેના લીધે આંતરિક શક્તિમાં બાધા આવે છે. તો નાની દિવાળી પર હર્ટ થયા વિના પ્રેમ આપવાના સંકલ્પ સાથે દેવી આરાધના કરવી જોઈએ અને ઘીનો દીવો કરી દુર્ગા કવચ, દેવી કવચનો ત્રણ વાર પાઠ કરવો જોઈએ.
સિંહ (મ, ટ) : સિંહ રાશિ રાજવી રાશિ છે. એક સૂક્ષ્મ અહં તેને ઘણીવાર ઘેરી વળે છે ત્યારે હનુમાનજી મહારાજને યાદ કરી તેમનું જીવન બધી શક્તિ હોવા છતાં સેવકનું જ રાખ્યું તે વિચાર સાથે ઘીના ત્રણ દીવા કરી રાત્રે 11 વાર હનુમાન ચાલીસા કરવા જોઈએ.
કન્યા (પ, ઠ, ણ) : જીવનમાં વધુ પડતી ગણતરી અને આયોજન નવા અનુભવથી વંચિત રાખે છે માટે કેટલીક બાબત પ્રકૃતિ પર છોડી આગળ વધવું જોઈએ અને સાહસ અને વીરતાના દેવ હનુમાનજી મહારાજ અને ભૈરવને યાદ કરી તેલનો દીવો કરી રાત્રે હનુમાનજી મહારાજ અને ભૈરવની પૂજા કરી સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ.
તુલા (ર, ત) : તુલા રાશિ સ્વયંને વધુ પ્રકાશમાં લાવવા માંગે છે અને આ માટે તેનામાં ઘણીવાર અન્ય માટે અભાવ પણ આવતો હોય છે. આ અભાવને દૂર કરી ત્રિશક્તિને યાદ કરી કપૂરનો દીવો કરી રાત્રે ૐ ઐમ હ્રીમ કલીં જેમાં ત્રણે મહાદેવી નિહિત છે તે મંત્રની 11 માળા કરવી જોઈએ.
વૃશ્ચિક (ન, ય) : આ રાશિમાં બદલો લેવાની ભાવના વિશેષ હોય છે અને કોઈએ કંઈ કહ્યું હોય તો તે તેમને માફી આપી શકતા નથી. યમ નિયમથી યમ અને ભૈરવને યાદ કરી સર્વેને માફી આપી મન સાફ કરી સરસવના તેલનો દીવો કરી યમ અને ભૈરવની વંદના કરી ભૈરવાષ્ટક 11 વાર કરવું જોઈએ.
ધન (ધ, ભ, ફ, ઢ): જ્ઞાન સૂક્ષ્મ અહમ્ આપે છે અને હું જ સાચો છું એવી ભાવના આપે છે. જેનો ત્યાગ કરી બધા જીવમાં પરમેશ્વર છે તેવા સંકલ્પ સાથે ઘીનો દીવો કરી રાત્રે મહિસાસુરમર્દિની સ્તોત્ર અને મૃત્યુંજય મંત્રની એક માળા કરવી જોઈએ.
મકર (ખ, જ) : આ રાશિ ક્યારેક ગુસ્સામાં તમસના વિચાર ધારણ કરી શકે છે માટે તામસથી સાત્ત્વિક તરફનો પ્રવાસ ખેડવા માટે તેલનો દીવો કરી રાત્રે મહાકાળી આરાધના કરવી જોઈએ અને ક્રીમ ક્રીમ ક્રીમ હૂં હૂં હ્રીમ હ્રીમ સ્વાહા મંત્રની 11 માળા કરવી જોઈએ.
કુંભ (ગ, સ, શ) : નૂતન વર્ષ પહેલાં આપણી અંદર રહેલા ષડરિપુ પર ધ્યાન આપી કાર્ય કરવું જોઈએ અને ધ્યાન પછી તેલનો દીવો કરી રાત્રે મહાકાળી આરાધના કરવી જોઈએ અને ક્રીમ ક્રીમ ક્રીમ હૂં હૂં હ્રીમ હ્રીમ સ્વાહા મંત્રની 11 માળા કરવી જોઈએ.
મીન (દ, ચ, ઝ, થ): આ રાશિ ત્યાગની અને છોડી દેવાની ભાવના ધરાવે છે અને ગુસ્સામાં કે રિસાઈને સંબંધ પર પણ પૂર્ણવિરામ મૂકી દે છે, પરંતુ જીવનના સારા સંબંધોને છોડવા કરતાં તેના પર માનસિક કામ કરવું જોઈએ. આ માટે ઘીનો દીવો કરી રાત્રે મહિસાસુરમર્દિની સ્તોત્ર અને મૃત્યુંજય મંત્રની એક માળા કરવી જોઈએ.
Source link