ગીર સોમનાથ જિલ્લામાં સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ કર્યો છે, પરંતુ તાલાલા તાલુકામાં મોટાભાગે ખેડૂતોની મગફળી રિજેક્ટ કરી દેવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ રિજેક્ટ કરાયેલી ખેડૂતોની મગફળી વેપારીઓ નીચા ભાવે ખરીદી કરી રહ્યા છે, તેને લઈને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રિજેક્ટ થયેલી મગફળી વેપારીઓ ઓછા ભાવે ખરીદી રહ્યા છે
ખેડૂતોની રિજેક્ટ કરાયેલી મગફળી વેપારીઓ નીચા ભાવે ખરીદ કરી બાદમાં સેટીંગ કરી ટેકાના ભાવે જ અન્ય ખેડૂતોની 7/12 પર ચડાવી દેવાનું કૌભાંડ ચાલતું હોવાનો પણ અમુક ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો છે. એક તરફ રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખી ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી નુકસાન ન થયું હોવાનું સ્વીકારી રહી છે તો બીજી તરફ ટેકાના ભાવે ખરીદીમાં સરકાર ખેડૂતોની મગફળી ડેમેજ હોવાનું જણાવી રિજેક્ટ કરતાં ગીરના ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે.
ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો
તાલાલા ગીરના APMC ખાતે ખેડૂતોની મગફળી રિજેક્ટ થતી હોવાની ફરિયાદ ઉઠતા સંદેશ ન્યૂઝની ટીમ તાલાલા APMC ખાતે ચાલતા ખરીદી સેન્ટર પર પહોંચી હતી. જ્યાં નાફેડ અને ગુજકોમસોલ વતી ખરીદી કરતી એજન્સીના સંચાલકે ખેડૂતોની મગફળી સરકારના ધારા ધોરણ મુજબ ના હોવાથી રિજેક્ટ કરવામાં આવતી હોવાની વાત સ્વીકારી હતી તો બીજી તરફ ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ખેડૂતો મોટી રકમનું ટ્રાન્સપોર્ટિંગ ચૂકવી યાર્ડ ખાતે મગફળી લાવે અને અહીં રિજેક્ટ કરી દે, ત્યારે વેપારી 27 હજારની ખાંડી મગફળી માત્ર 16 હજારમાં માંગણી કરે છે અને ખેડૂતોને ખાંડીએ 12 હજારની નુકસાની વેઠી મગફળી વેપારીને વેચવી પડે છે.
ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવતા ખળભળાટ મચ્યો
ખેડૂતોએ એવા પણ ગંભીર આક્ષેપો લગાવ્યા કે વેપારીઓ નીચા ભાવે ખરીદી કરેલી મગફળી સેટીંગ કરી સરકારના ટેકાના ભાવમાં અન્ય ખેડૂતોના 7/12 પર ચડાવી દે છે. સંદેશ ન્યૂઝ ખેડૂતોના આ ગંભીર આક્ષેપોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ પ્રકારના કૌભાંડ ભૂતકાળમાં રચાયા છે અને જો આ વર્ષે પણ આ જ પ્રકારના કૌભાંડ આચરવામાં આવતા હોય તો ખૂબ જ આઘાતજનક છે.
Source link