GUJARAT

Gir Somnath: ધારાસભ્યનો કલેક્ટર સામે આક્ષેપ ‘તેમના ત્રાસથી માયાબેને જીવ ગુમાવ્યો’

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મકાન પાડવા નોટિસ મળતા મહિલાએ આપઘાત કરતાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રીને કલેક્ટરની દબંગગીરી બાબતે પત્ર લખી જાણ કરી છે.

વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વેરાવળમાં મફતીયા પરાની સામે રહેતા માયાબેને ગઈકાલે તા. 22ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. કલેક્ટર દ્વારા માયાબેનનું મકાન તોડવાની નોટિસ મળતાં માયાબેનને લાગી આવતા આત્મહત્યા કરી છે. આ બેન ત્યાં 40-45 વર્ષથી રહેતા હતા. બેનને નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, તા. 01-10-2024ના રોજ તમારુ મકાન તોડી પાડવામાં આવશે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આ પ્રકારની નોટિસ આપીને સામાન્ય માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. વરસાદની સિઝન હોય આ પ્રકારના ડીમોલેશન ના કરી શકાય. અને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ડીમોલેશન કરવું જોઈએ. આ કામગીરીથી લોકોના મનમાં ભય ઉભો થયો છે.

કલેક્ટરના ત્રાસથી માયાબેને જીવ ગુમાવ્યો: ચુડાસમા

વધુમાં ચુડાસમાએ જણાવ્યું કે, માયાબેને આત્મહત્યા કરતા પહેલા તેમના પાડોશીઓને જણાવ્યું હતું કે, જો મારું ઘર તોડી પાડવામાં આવશે. તો મારે ક્યાં જવાનું મારી પાસે હવે કોઈ વ્યવસ્થા નથી. કલેક્ટર, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા અવાર-નવાર આ પ્રકારની નોટિસ આપીને લોકોને હેરાનગતી કરવામાં આવે છે. જેથી લોકોમાં ભય ઉભો થયો છે. કલેક્ટર ગીર સોમનાથના ત્રાસથી આ મહિલાએ આત્મહત્યા કરી લીધી છે. અને આત્મહત્યા કરવાનું કારણ તેમનું ઘર તોડવામાં આવનાર હતું એટલે કર્યું છે.

માયાબેનના પરિવારને સહાય ચુકવવામાં આવે: ચુડાસમા

કલેક્ટર દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવી ત્યારે આ લોકો મારી પાસે આવ્યા હતા અને તેમની વ્યથા જણાવી હતી. જેથી મેં કલેક્ટરને કહ્યું હતું કે, તમે આ લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો પછી આ લોકોના ઘર તોડો. પરંતુ કલેક્ટર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ના આવી અને માયાબેનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કલેક્ટરના ત્રાસથી લોકોમાં ભય ફેલાયો છે. જેથી આ બાબતે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે, આ બેનના પરિવારને સહાય ચુકવવામાં આવે તેમજ રહેવા માટે ઘરનું ઘર અથવા પ્લોટ આપવામાં આવે તેવી માગણી કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button