- વડાપ્રધાને ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમ્મેલનને સંબોધન કર્યું
- ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં પૂર્ણ સમર્થન આપવા ભારત પ્રતિબદ્ધ
- વિશ્વ હજુ પણ કોવિડ-19ના પ્રભાવમાંથી પૂર્ણ રીતે બહાર આવ્યું નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિકાસશીલ દેશોમાં,ખાસ કરીને ખાદ્ય અને ઊર્જા સુરક્ષાના ક્ષેત્રમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓના પ્રભાવ પર ચિંતા વ્યક્ત કરી છે.
વડાપ્રધાને ત્રીજા વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમ્મેલનમાં પોતાના ભાષણમાં તેમાં ભાગ લઈ રહેલાં દેશોને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર સહિત વિભિન્ન મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં પૂર્ણ સમર્થન આપવાની ભારતની અટૂટ પ્રતિબદ્ધતાનું આશ્વાસન આપ્યું હતું. ભારતે ડિજિટલ રૂપથી આ સમ્મેલનની યજમાની કરી છે. વડાપ્રધાને આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે આપણે એવા સમયમાં બેઠક યોજી રહ્યા છીએ જ્યારે ચારે તરફ અનિશ્ચિતતાનું વાતાવરણ છે. વિશ્વ હજુ પણ કોવિડ-19ના પ્રભાવમાંથી પૂર્ણ રીતે બહાર આવ્યું નથી. બીજી તરફ યુદ્ધની સ્થિતિએ આપણી વિકાસ યાત્રા માટે પડકારો ઊભા કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે આપણે ફક્ત ક્લાઇમેટ ચેન્જની સમસ્યાનો જ સામનો નથી કરી રહ્યા પરંતુ સાથે સ્વાસ્થ્ય સુરક્ષા, ખાદ્ય સુરક્ષા અને ઊર્જા સુરક્ષાને લઈને પણ ચિંતાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની આ સમિટમાં બાંગ્લાદેશ તરફથી વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસ સામેલ થયાં છે. શુક્રવારે પીએમ મોદી અને યુનુસ વચ્ચે ફોન પર વાત થઈ હતી.
ગ્લોબલ સાઉથની તાકાત તેની એકતામાં છે : વડાપ્રધાન
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગ્લોબલ સાઉથની તાકાત તેની એકતામાં છે. આ એકતાના બળ પર જ આપણે નવી દિશાની તરફ આગળ વધીશું. તેમણે ઉમેર્યું હતું કે વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમ્મેલન એક એવું મંચ છે જ્યાં આપણે એવા લોકોની જરૂરિયાતો અને આકાંક્ષાઓને અવાજ આપીએ છીએ કે જેમને અત્યાર સુધી સાંભળવામાં આવતા ન હતાં.
Source link