મુંબઈથી ગોવા હવે રેલવેમાં કાર સાથે જઈ શકાશે, આ દિવસથી ફેરી ટ્રેન સેવા શરૂ થશે

મુંબઈથી ગોવા જતા લોકો માટે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કોંકણ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ (KRCL) ગણેશ ચતુર્થીના દિવસથી એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે.
આ અંતર્ગત લોકો હવે મહારાષ્ટ્રના કોલાદથી ગોવાના વર્ના સુધી ટ્રેન દ્વારા પોતાની કાર લઈ જઈ શકશે. જેના પગલે મુસાફરી ઝડપી, સલામત અને આરામદાયક બનશે.
ફેરી સેવાના કારણે ઓછા સમયમાં ગોવા પહોંચી શકાશે
આ મામલે KRCLના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ સેવા હાઇવે પર ટ્રાફિક ઘટાડશે. ખાસ કરીને ગણેશોત્સવ દરમિયાન હજારો પરિવાર ગોવા જાય છે. ફેરી સેવાના કારણે ઓછા સમયમાં ગોવા પહોંચી શકાશે. તેમજ ગોવામાં ટેક્સી માફિયા દ્વારા વસૂલવામાં આવતા મસમોટા ટેક્સી ભાડાથી પણ બચી શકાશે.
દરેક કોચમાં બે કાર ફિટ થઈ શકે છે
આ ફેરી ટ્રેનનો ઉપયોગ પહેલા ટ્રકો લઈ જવા માટે થતો હતો. હવે તેનો ઉપયોગ ખાનગી કાર માટે થશે. દરેક ટ્રેનમાં 20 ખાસ કોચ હશે. દરેક કોચમાં બે કાર ફિટ થઈ શકે છે. આ રીતે એક ટ્રીપમાં કુલ 40 કાર જઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઈ કે પુણેથી રોડ માર્ગે ગોવા જવા માટે અંદાજે 20થી 22 કલાક લાગે છે. રસ્તામાં ઘણો ટ્રાફિક છે અને વળાંકવાળા રસ્તાઓ પણ છે. પરંતુ આ નવી ફેરી ટ્રેન આ અંતર ફક્ત 12 કલાકમાં કાપશે.