બે સંતાનના પિતાએ પરણિત પ્રેમિકા સાથે જીવન ટૂંકાવ્યું, વાડીમાંથી લટકતી મળી પ્રેમી પંખીડાની લાશ

ધરમપુર તાલુકાના બારસોલ ગામે ઉતારા ફળિયામાં આવેલ આંબાવાડીમાં એક વૃક્ષ ઉપર પરણિત પ્રેમી પંખીડાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. લગ્નેતર પ્રેમ સબંધમાં સમાજ સ્વીકાર કરશે નહિં જેને લઇ આત્મહત્યા કરી લીધી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ધરમપુર તાલુકાના બારસોલ ગામે સચિનભાઈ આહીરની વાડીમાં એક જ ડાળી ઉપર પ્રેમી પંખીડાની લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક 26 વર્ષીય મુકેશ રાયસીંગ ભાઈ પટેલ અને 35 વર્ષીય ઉર્વશીબેન ગમનભાઈ પટેલની લાશ એક ડાળીએ લટકેલી હાલત માં મળી આવતા ગામના સરપંચ દ્વારા ધરમપુર પોલીસને જાણ કરવામાં આવી હતી અને જેના પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને બંનેની લાશનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
મૃતક ઉર્વશીબેન ગમનભાઈ પટેલ અને મુકેશભાઈ રાયસીંગભાઈ પટેલ બંને બારસોલના ઉતારા ફળીયામાં રહેતા હતા અને બંને પૈકી મુકેશભાઈને બે સંતાન છે અને બંને સગીર છે, છતાં પણ બંને આગાઉ થી જ પ્રેમ સબંધમાં હતા. તેમના પ્રેમ સંબંધ અંગે આ અગાઉ પણ ગામના લોકોએ તેમના પરિવારજનોને જાણ કરી હતી અને એક વર્ષ અગાઉ આ મામલે બેઠક કરીને સમાધાન કરાવ્યું હતું, પરંતુ તેમ છતાં બંને ફરીથી પ્રેમ સબંધમાં બંધાયેલા હતા બન્નેનો સંબંધ સમાજ સ્વીકારશે નહિં અને સાથે નહિં રહી શકીએ તેના કારણે બંને એ આત્મહત્યા કરી લીધી હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ બંનેના મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે જ્યારે બંને મૃતકના પરિવારજનો આક્રંદ જોવા મળી રહ્યો છે
ઘટના અંગે ધરમપુરના પી.આઈ નિખિલ ભોયાએ જણાવ્યું હતુ કે, હાલ જે રીતે બંને મહિલા પરુષ લગ્નેતર પ્રેમ સંબંધથી જોડાયેલા હોય અને સંતાન ધરાવતા હોય એક સાથે રહી શકે એમ ન જણાઈ આવતા બંનેએ આ દુનિયાને અલવિદા કહી દીધી હોવાનું જણાય રહ્યું છે. હાલ તો બંનેની લાશને ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ છે, હાલ પોલીસે અકસ્માત અંગે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મૃતક ઉર્વશીબેન પટેલને લઈને સ્થાનિકોએ જણાવ્યું હતું કે, ઉર્વશીના લગ્ન અગાઉ નજીકના જ એક ગામમાં થયા છે, જ્યાંથી તે માત્ર 3 મહિનામાં જ કોઈ કારણોસર પિયર પોતાના પિતાના ઘરે પરત આવી ગઈ હતી અને ત્યાર બાદ ફરી ક્યારે તેના સાસરે ગઈ નહોતી, અને તેને ગામના જ યુવક મુકેશ પટેલ સાથે અગાઉથી જ પ્રેમ સબંધ હતો. આ બાબતે ગામમાં એક બેઠક કરીને સમાધાન પણ કરાવવામાં આવ્યું હતું અને બંનેને સમજાવવામાં પણ આવ્યા હતા, છતાં તેઓ બંને ફરીથી પ્રેમ સબંધમાં જોડાયા હતા. આમ હાલ તો લગ્નેતર પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે, બે સંતાનોએ પિતા ગુમાવવાનો વારો આવ્યો છે જ્યારે એક પરિવારે પોતાની દીકરી ગુમાવી છે.