ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પોરબંદરમા બરડા જંગલ સફારી શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.પોરબંદર જિલ્લાનું બરડા જંગલ 192 ચોરસ કિલો મીટર કરતા મોટો વિસ્તાર ધરાવે છે.અહી 40 જેટલા સિંહો રહી શકે એટલો મોટો આ વિસ્તાર છે. દિવાળી પહેલા જ બરડા જંગલમાં સફારી શરૂ થાય તેવી શક્યતાઓ દેખાઈ છે.
સિંહના દેખાયા હતા આંટાફેરા
વન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બરડા જતા રોડ રસ્તા સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને નેશનલ હાઇવે પર તેમજ મહત્વના સ્થળે લોકોને જાણ થાય તે માટે બરડા વાઈલ્ડ લાઈફ સેન્ચૂરી અને જંગલ સફારી અંગેના બોર્ડ લગાવ્યા છે.ગત તા. 3/10/2022માં માંગરોળ તરફથી એક સિંહ પોરબંદરના માધવપુર ખાતે આવ્યો હતો અને પોરબંદર સુધીના વિસ્તારમાં આંટાફેરા કર્યા બાદ આ સિંહે તા. 19/1/2023માં બરડા જંગલમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં જ મુકામ કર્યો છે.
ટૂંક સમયમાં લોકો માટે ખુલ્લુ મૂકાશે બરડા જંગલ
હાલ બરડા જંગલમાં સમ્રાટ સિંહ તેમજ 5 સિંહણ અને 2 સિંહબાળ મુક્ત મને વિહરે છે. જંગલ સફારી શરૂ થતા પોરબંદર જિલ્લા વાસીઓ અને પ્રવાસીઓ બરડા જંગલમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તેમજ પ્રકૃતિનું સાનિધ્ય માણી શકશે.હાલ રાજ્ય સરકાર દ્વારા બરડા જંગલ સફારીને મંજૂરી આપવામાં આવી છે અને વ્યવસ્થાઓ ગોઠવવા માટે વન વિભાગ કામે લાગ્યું છે, જંગલ સફારીમાં જવા માટે પ્રવાસીઓની ટિકિટ કેટલી હશે અને શું શું વ્યવસ્થાઓ હશે તે બાબતે વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે, આગામી સમયમાં રાજ્ય અને કેન્દ્ર કક્ષાના નેતાઓ દ્વારા બરડા જંગલ સફારીનું ઉદ્ધાટન ટૂંક સમયમાં થઈ શકે છે.
બરડા ઓપન જંગલ સફારીની વિશેષતા
બરડા ઓપન જંગલ સફારી પ્રથમ વખત શરૂ થવા જઈ રહી છે. સાસણ અને દેવળીયાની માફક અહીં પ્રવાસીઓની માગને ધ્યાને રાખીને રાજ્યના વન વિભાગે દરરોજ સવાર અને સાંજ એમ 2 સમયે 15 કિલોમીટરના રૂટ પર 8 જીપ્સી ચલાવવાનો નિર્ણય કર્યો છે. બરડા ડુંગર વિસ્તાર વન્યજીવ ઇકોલોજી ની દ્રષ્ટિએ પણ સૌરાષ્ટ્રના અન્ય ડુંગરો કરતા અલગ અસ્તિત્વ ધરાવે છે.
Source link